• Gujarati News
  • ગાંધીનગરની SMSની ટીમ દારૂ પકડવા વલસાડમાં ત્રાટકી

ગાંધીનગરની SMSની ટીમ દારૂ પકડવા વલસાડમાં ત્રાટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડજિલ્લાને અડીને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી હોવાથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી ગુજરાતના બુટલેગરો દમણથી મોટા પાયે દારૂની હેરાફેરી કરતા આવ્યા હતા. વલસાડ જિલ્લામાં સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતા સામે આરઆર સેલ સક્રિય બની હતી અને ત્યારબાદ હવે સ્ટેટ મોનીટરીંગની ટીમે પણ વલસાડમાં ડેરો નાંખી ગુરૂવારે દારૂ ભરેલી ઈનોવા કાર ડુંગરી હાઈવે ઉપરથી ઝડપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લાની સરહદ ઉપર દમણ અને દાદરા નગર હવેલી આવેલી હોવાથી મોટાપાયે દારૂની હેરાફેરી વલસાડના પ્રવેશદ્વાર મારફતે થાય છે. પરંતુ દારૂ પકડવા અંગે વલસાડ પોલીસ હપ્તામાં લીન બની હોવાથી આરઆર સેલ વખતોવખત વલસાડમાંથી દારૂ પકડતી આવી છે. ત્યારબાદ હવે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પણ હવે વલસાડ જિલ્લામાં ત્રાટકી છે. એસએમએસની ટીમે વલસાડના ડુંગરી હાઈવે પરથી પસાર થતી ઈનોવા કાર નં. જીજે-06-પીએમ-8223 ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર હંકારી મુકતા ટીમે પીછો કર્યો હતો પરંતુ ચાલક ડુંગરીની હોટલ રાહગીર સામે ઈનોવા મુકી ફરાર થઈ ગયો હતો. બાદમાં એસએમએસની ટીમે ઈનોવાની તલાશી લેતા અંદરથી દારૂની 1464 નંગ બોટલો મળી આવી હતી. જેની કિમંત રૂા. 1,46,400 થઈ છે. સિવાય ટીમે રૂા.2000ના બે મોબાઈલ અને રૂા. 4,00,000ની ઈનોવા કાર પણ જપ્ત કરી હતી. બનાવ અંગે એસએમએસ ટીમના પીએસઆઈ ચંપાવતે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દમણમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂ રાજયમાં ઠલવાઈ રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આવા સંજોગોમાં છેકે ગાંધીનગરથી ટીમ દારૂ પકડવા માટે આવતા અનેક ચર્ચા ચાલી રહી છે.