• Gujarati News
  • દમણ પાલિકાના 15 સભ્યો સામે હેન્ડબીલ ફરતા થયા

દમણ પાલિકાના 15 સભ્યો સામે હેન્ડબીલ ફરતા થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણપાલિકાના તમામ 15 સભ્યો શર્મ કરો, શર્મ કરો તેવા શર્ષિક સાથે ગુરૂવારે સવારથી દમણ શહેરમાં હેન્ડબીલ ફરતા થયા છે. સોશિયલ મીડિયાનો પણ સહારો લેવામાં આવ્યો છે. જેમા વોટસઅપ અને ફેસબુક ઉપર પણ હેન્ડબીલ મૂકવામાં આવ્યું છે. લોકોએ પોતાનો આક્રોશ વ્યકત કરવાનું શરૂ કર્યુ છે. સત્તાના લાલચુ કાઉન્સિલરોમાં કોઇ શર્મ બાકી નથી રહી, દમણની રાજનીતીને ગંદી કરવામાં પણ કોઇ કસર છોડવામાં આવી નથી.

દમણની સામાજીક સંસ્થા યુથ એકશન ફોર્સ દ્વારા હેન્ડબીલ છપાવીને ફરતા કરવામાં આવ્યા છે. જેમાં લખ્યુ છે કે, દમણ પાલિકાના કાઉન્સિલરોનું એક માત્ર સૂત્ર અપના કામ બનતા, તો ભાડમાં જાયે જનતા. ૨૪ કલાકમાં અવિશ્વાસની દરખાસ્તે લોકેાને આક્રોશિત કર્યા છે. લોકોના કાર્ય અવરોધાઇ રહ્યા છે. સત્તાના મોહમાં અંધ બનેલા નેતાઓને લોકોની લાગણીની પણ ચિંતા રહી નથી. હેન્ડબીલમાં જણાવ્યું છે કે, દમણમાં રાજનીતીના નામે તમામ નેતાઓ પોત પોતાની દુકાનો ચલાવી રહ્યા છે. કાઉન્સિલરો પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે લોકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. સત્તા મળતાની સાથે 24 કલાકમાં વિરોધ પક્ષે અવિશ્વાસ મૂકી અને સત્તા પક્ષે વિરોધ પક્ષના સભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી મૂકી દીધી હતી. સત્તા પ્રેમી કાઉન્સિલરો શર્મને નેવી મૂકીને ફરી સત્તા મળતાની સાથે એકબીજાના પગ ખેંચવાની શરૂઆત કરી દીધી છે. હવે સમય આવી ગયો છે. આવા સત્તા ભૂખ્યા નેતાઓને સબક શીખવાડવા માટે આવનારી ચૂંટણીમાં લોકોએ પહેલા સુધરવાની જરૂર છે. પોતાનો વોટ વેચવાનું બંધ કરવું પડશે, રૂપિયા, ખાવા પીવાનું , લેવાનુ બંધ કરવુ પડશે,લોકોને અપીલ કરતા જણાવ્યું કે, તમે તમારો વોટ નથી વેચતા પરંતુ વર્ષ માટે તમારૂ ભવિષ્ય વેચો છો. તમે તમારા બાળકોના ભવિષ્યને પણ વેચી રહ્યા છો. લોકેાને જાગવા અને જાગૃત કરવાની અપીલ સાથે હેન્ડબીલ લોકોમાં પણ ખાસ પ્રચલિત થઇ રહ્યું છે.