• Gujarati News
  • મહારાષ્ટ્રનો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

મહારાષ્ટ્રનો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડઆર.ટી.ઓ ચેક પોસ્ટ નજીક ને.હા.નં.8 પર મંગળવારની સાંજે 3 કલાકે એમ.એચ-48 એ-6043 સ્કોપીયોમાં દારૂ ભરી લઈ જતો મહારાષ્ટ્ર પોલીસનો કોન્સ્ટેબલ સાથે અન્ય પણ ઈસમોની ભીલાડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી રોકડ રકમ રૂા.14,400 તથા રૂા.53,500 દારૂ તથા સ્કોપીયોની કિંમત રૂા.5 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

ભીલાડ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દમણથી દારૂભરી જતી સ્કોપીયો ગાડી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા ભીલાડ પોલીસ મથકનાં પી.એસ.આઈ મયુર પટેલ અને તેની ટીમે ભીલાડ આર.ટી.ઓ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન પુરપાટ ઝડપે આગળ વધતી સ્કોપીયો એમ.એચ-48 એ-6043 ને ઊભી રાખી તેની ચકાસણી કરાતા સ્કોપીયો ગાડીમાંથી બીયર તથા દારૂની 373 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 53500 તથા સ્કોપીયોની કિંમત 5 લાખ મળી 5,53,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

દારૂની હેરાફેરી કરી રહેલા ચાર ઈસમોની તપાસ કરતા વિરાર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો દેવીકાન્ત રોહીદાસ તમારે (રહે.નાલા સોપારા વેસ્ટ કલમ બીચ, પાલધર) મહારાષ્ટ્રનું નામ બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય કલ્પેશ જયપ્રકાશ મામે(રહે.નાલા સોપારા, પાલધર) મુંબઈની વેસ્ટ બસમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય પ્રતાપ નેતાજી પાપુંદે(વિજ્યા વિહાર, પાલધર) તથા સાકાર વસંતા ધરત(રહે. કલમ, તા.વસઈ પાલધર)નાને ઝડપી પાડ્યા હતા. ચારે ઈસમો વિરૂધ્ધ ભીલાડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ મયુર પટેલ કરી રહ્યા છે.