અસ્થિર મગજના આરોપીની સારવાર કરાવવા કોર્ટનો હુકમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખૂનકેસના આરોપીનો કેસ મુલતવી કરી અસ્થિર મગજના આરોપીને સારવાર માટે મોકલવાનો હુકમ આરોપીના વકીલની માંગણીને ધ્યાનમાં રાખી નવસારી કોર્ટે કર્યો હતો, જેના પગલે આરોપીને વડોદરા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.

કેસની ટૂંક વિગત એવી છે કે ચીખલીના રાનકુવા વિસ્તારમાં રહેતા રાજુભાઈ રામભાઈ હળપતિએ તેના પિતાની હત્યા કરી દીધી હતી. કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને નવસારીના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં તેનો કેસ શરૂ કરાયો હતો.

દરમિયાન નવસારીના એડવોકેટ નદીમ કાપડિયાને કેસમાં આરોપી તરફે લિગલ ડિપાર્ટમેન્ટ તરફથી નિમણૂક કરવામાં આવી હતી. આથી કેસ સંદર્ભે માહિતી મેળવવા એડવોકેટ નદીમભાઈ નવસારી સબજેલમાં રાખવામાં આવેલા આરોપીને મળવા પહોંચ્યા હતા. તેમણે આરોપી સાથે વાત કરી કેસ સંદર્ભે માહિતી એકઠી કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ આરોપીની વર્તણૂક જોતા તેમને તેમની માનસિક સ્થિતિ અંગે શંકા ગઈ હતી.

આરોપી કોઈપણ માહિતી આપવા સક્ષમ નહીં જણાતા એડવોકેટ નદીમભાઈએ સંદર્ભે કોર્ટ સમક્ષ અરજી કરી આરોપીની માનસિક સ્થિતિને ચકાસણી કરવા અનુરોધ કર્યો હતો. કોર્ટે તેમની રજૂઆતને ધ્યાનમાં રાખી આરોપીને વડોદરા ખાતે સારવાર અર્થે મોકલવાનો હુકમ કર્યો હતો.

સંદર્ભે આરોપીના વકીલ નદીમભાઈ કાપડિયાએ કહ્યું હતું કે આરોપીની માનસિક સ્થિતિની તપાસ કરાવવી ન્યાયના હિતમાં જરૂરી છે. જો હાલના કેસમાં આરોપીની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવે તો આરોપી માનસિક બીમારથી પિડાતા હોય અને આરોપી તેનો બચાવ કરી શકે નહીં. આરોપીને પોતાનો બચાવ કરવાની યોગ્ય અને વ્યાજબી તક મળતા તેને ગંભીર નુકસાન થાય તેમ છે અને આરોપીને ન્યાય મળી શકે તેમ નથી.

હત્યાના આરોપીની માનસિક પરિસ્થિતિની તપાસ કરાવવા અનુરોધ કરતા કોર્ટે તે અરજી ગ્રાહ્ય રાખી હતી અને કોર્ટે આરોપીને પ્રથમ સુરત સિવિલમાં તપાસ કરાવી હતી ત્યાંથી રિપોર્ટ આવતા તે માનસિક અસ્થિર જણાઇ આવ્યો હતો. નવસારીની કોર્ટે આરોપીને વડોદરા ખાતે સારવાર અર્થે મોકલવાનો હુકમ કર્યો હતો.

આરોપી માનસિક બીમાર હોવાનું જણાયું

હત્યાના આરોપીને વડોદરા મોકલાયો

અન્ય સમાચારો પણ છે...