ચીખલીમાં આઠ કલાકમાં ચાર ઇંચ વરસાદ, સારવણીનો પુલ પાણીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીસહિત ઉપરવાસમાં સતત બીજા દિવસે પણ મૂશળધાર વરસાદને પગલે અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ યથાવત રહેવા પામી હતી. શુક્રવારે બપોરના સમયે જૂજ ડેમ ઓવરફ્લો થતા તાલુકાનાં કાવેરી નદી કિનારાના ગામોને અલર્ટની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. રાત્રિ દરમિયાન વિરામ બાદ વહેલી સવારથી ફરી શરૂ થતા બપોર સુધીના 8 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાક દરમિયાન 103 મીમી વરસાદ વરસ્યો હતો. સીઝનનો કુલ વરસાદ 58 ઇંચ કરતા વધુ નોંધાયો છે.

ચીખલી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે બીજા દિવસે પણ સારવણી ગામ સ્થિત મુખ્યમાર્ગ પરનો ડૂબાઉ પુલ પૂરના પાણીમાં ગરકાવ રહેતા ફડવેલથી સારવણી કંસારિયા માર્ગ પરનો વાહન વ્યવહાર આજે પણ બંધ રહયો હતો.

સારવણી ગામના અગ્રણી સુનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે ગીતવણી નદી પરના ડૂબાઉ પૂલ પર પાણી હોવાથી અમારા વિસ્તારનાં વિદ્યાર્થીઓને હાઇસ્કુલમાં મોકલાવ્યા હતા. ચીખલી તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં તો રજા હતી. પરંતુ કેટલીક ખાનગી શાળા દ્વારા પણ તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરી દેવાઇ હતી.

બે દિવસ સારા વરસાદના કારણે ચીખલી વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા.તસવીર-પ્રશાંતસિંહ પરમાર

તાલુકાના નદી કિનારાના 15 ગામોને એલર્ટ કરાયા

ચીખલીનાઇન્ચાર્જ મામલતદાર બી.બી.ભાવસારનાં જણાવ્યાનુસાર વાંસદાનો જૂજ ડેમ બપોરના સમયે ઓવરફ્લો થતા તાલુકાના કાવેરી નદીના કિનારે આવેલા ગામોને આજે પણ એલર્ટ અપાયું હતું. તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેક્ટી, તલાવચોરા, હોન્ડ, સાદકપોર, કૂકેરી સહિતના 15 જેટલા ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઇ હતી.

ભારે વરસાદને લઇ ચીખલી તાલુકાની પ્રથમિક શાળામાં રજા આપી દેવાઇ હતી

અન્ય સમાચારો પણ છે...