તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાનકુવા વિસ્તારમાં વીજ ધાંધિયાથી લોકોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડો ઘણો પવન ફૂંકાય એટલે બે વીજતાર અડી જતા ધડાકો થતાંની સાથે જ સાથે વીજળી વેરણ બને છે
જે ગામોમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ સામાન્ય વરસાદ કે પવનના સુસવાટામાં વીજળી વેરણ થવાના બનાવો સાવ સામાન્ય બની ગયા છે. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પ્રિમોન્સુન કામગીરીના નામે નકરી વેઠ ઉતારવામાં આવતા અનેક વીજથાંભલાઓ નમી પડવા સાથે, વીજતાર ઝુલેલા તેમજ વીજડીપીઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો એટલી હદે વીજતાર ઝુલવા પામ્યા છે કે થોડો ઘણો પવન ફૂંકાય એટલે બે વીજતાર અડી જતા ધડાકા સાથે વીજળી વેરણ બને છે. અનેક વીજ થાંભલા સાથે વૃક્ષોની ડાળીઓ સાથે વેલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના પગલે ચોમાસાના વરસાદના દિવસોમાં અકસ્માત સર્જાવા કે વીજ કરંટ લાગવા જેવા બનાવો બનવા પામે તો નવાઈ નહીં. કોઈ નિર્દોષ વ્યક્તિ કે પશુઓ ભોગ બને એવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી રહી છે. રાનકુવા વીજ કંપનીની કચેરીની પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ ઉપર જ હોવાનું જણાય છે. વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ રાનકુવા કચેરીની કામગીરીનું નિરીક્ષણ હાથ ધરી સ્થળ તપાસ હાથ ધરાય એ જરૂરી બન્યું છે.રાનકુવા દ.ગુ.વીજ કંપનીની કચેરીના ના.ઈજનેર એન.જી. પટેલના મોબાઈલ પર સંપર્ક કરવા રીંગ જવા છતાં ઉંચકવાની તસદી લીધી ન હતી.

રાનકુવા વીજ કંપનીની કચેરીના તાબાના કાર્યવિસ્તારમાં નમી પડેલા વીજથાંભલા અને લાઈનો.

અધિકારીઓ ફોન ઊંચકતા જ નથી
રાનકુવા વીજ કંપનીની કચેરીના અધિકારીઓ ફરજ દરમિયાનના સમયમાં પણ મોબાઈલ ફોન ઉંચકવાની તસદી લેતા નથી. અનેક ગ્રાહકો અને વ્યક્તિઓને મોબાઈલ પર રિંગ કરવા બાબતે કડવા અનુભવો થઈ રહ્યા છે. જેઓ ઓફિસમાં મળતા પણ નથી અને ફોન પણ ઉંચકતા નથી. કોઈવાર ગંભીર મુશ્કેલી સમયે મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ અધિકારીઓ કરી ચૂકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય સ્થિતિમાં વીજળી ડૂલ થાય
ચોમાસાની શરૂઆતના દિવસમાં જ સામાન્ય વરસાદનું ઝાપટુ આવે કે પવન આવે એટલે વીજળી વેરણ થવી એ નક્કી જ હોવાનું ગ્રાહકો અનુભવી રહ્યા છે. આ બાબતની રજૂઆત કરવા માટે પણ ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓ વેઠવી પડતા રાનકુવા વીજ કંપનીના અધિકારીઓની લાપરવાહીના ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે.

નિર્દોષનો ભોગ લે તો નવાઈ નહીં
રાનકુવા કચેરીના તાબામાં આવતા ગામોમાં અનેક જગ્યાએ વીજથાંભલા, વીજતાર નમી પડેલા કે ઝુલેલા જોવા મળે છે, જે ચોમાસામાં અકસ્માત સર્જી નિર્દોષનો ભોગ લે તો નવાઈ નહીં. હજુ પણ વહેલી તકે વીજ કંપનીના અધિકારીઓ ગંભીરતા દાખવી લાપરવાહી દૂર કરે તો સારું. નિલેશભાઈ પરમાર, વીજગ્રાહક, કુકેરી

અન્ય સમાચારો પણ છે...