મજીગામમાં સરકારી આવાસની દિવાલ પડતા મહિલાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના મજીગામમાં આવેલા દેરા ફળિયામાં એક સરકારી આવાસની દિવાલ અચાનક તૂટી પડતા એક મહિલા દબાઈ જતા મોત નિપજ્યું હતું.

ચીખલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચીખલી તાલુકાના મજીગામમાં આવેલા દેરા ફળિયામાં 20 વર્ષ જુનુ ઈન્દિરા આવાસ આવેલું હતું. જે આવાસનુ રીપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. તે વેળાએ ગત તારીખ 24 મેના રોજ સાંજના સમયે સરકારી આવસની એક બાજુની દિવાલ ધરાશાયી થતા દિવાલ પાસે બેસેલી સવિતાબેન નટુભાઈ હળપતિ (રહે,મજીગામ દેરા ફળિયા તા.ચીખલી, જિ.નવસારી) દબાઈ જતા તેને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા ચીખલીની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

વલસાડની સિવિલ હોસ્પિટલમાં મરનાર સવિતાબેન હળપતિની લાશનુ પીએમ કરવામાં આવ્યું હતું.જેની આગળની તપાસ ચાલુ છે. ચીખલી તેમજ આજુબાજુના વિસ્તારમાં પાછલા ત્રણ ચાર દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જે પવનને લઈ દિવાલ ધરાશાયી થઈ હોવાનુ પ્રાથમિક દૃષ્ટીએ લોકો વિચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...