• Gujarati News
  • ચીખલીમાં બૂટલેગરો પાસે પોલીસ ઉપર હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ

ચીખલીમાં બૂટલેગરો પાસે પોલીસ ઉપર હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીગ્રામપંચાયત હોલ ખાતે આજરોજ મંગળવારે નવસારી જિલ્લા પોલીસ વડા એમ.એ.ભરાડા નો લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિક, સર્વિસ રોડની માગ કરવામાં આવી હતી. સાથે પોલીસ દારૂના ધંધો કરી ને ગુજરાન ચલાવતા લોકો પાસે હપ્તા ઉઘરાવતી હોવાની પણ રજૂઆત લોકદરબારમાં કરવામાં આવી હતી.

ચીખલી ગ્રામપંચાયત હોલ ખાતે નવસારી જિલ્લા પોલીસ વડા એમ.એ.ભરાડાની અધ્યક્ષતામાં લોકદરબારનુ આયોજન ચીખલી પોલીસ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉપસ્થિત લોકોને પ્રાસંગિત પ્રવચન ચીખલીના પીઆઈ ડી.કે.પટેલે કરી ઉપસ્થિત લોકોને તેમના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું. લોકદરબારમાં પોતાના પ્રશ્નો રજૂ કરતા એડવોકેટ ગાડીવાલાએ હાઈવે ઉપર સાઈનબોર્ડ મુકવા તેમજ સર્વિસ રોડ ઉપર અવાર નવાર વાહનો પાર્ક કરવામાં આવતા વાહનોને લઈ અકસ્માતો સર્જાતા હોય તે દુર કરવા ટ્રાફિક બ્રિગેડની ટીમની વ્યસ્થા કરવા તેમજ યોગ્ય નિરાકરણ કરવાની માગ કરી હતી. ચીખલીના નાગરિક ભીખુ કાપડીયાએ ગ્રામપંચાયત વિસ્તારમાં શાકભાજી માર્કેટના અભાવે શાકભાજીનું વેચાણ કરતી મહિલાઓ માર્ગની બંન્ને સાઈડે શાકભાજી વેચવા બેસે છે જેના લીધે ટ્રાફિકમાં અડચણ થતું હોવાનું જણાવ્યું હતું.

લોકદરબારમાં બામણવેલના મુકેશભાઈ દેસાઈએ ચીખલી પોલીસ ઉપર બુટલેગરો પાસેથી હપ્તા લેવાનો ખુલ્લો આક્ષેપ લગાવતા રજુઆત કરી હતી કે પોલીસ ગરીબ મહીલા કે જેઓ દારૂ વેચી પોતાનુ જીવન નિર્વાહ ચલાવે છે તેવી મહિલાઓ તેમજ દારૂ વેચતા લોકોને ત્યાં વારંવાર રેડ કરી તેમની ધરપકડ કરી દરેક વખતે 10 થી 15 હજારની માંગણી કરે છે.અને અન્ય મોટા બુટલેગરો બેફામ બન્યા છે. તેની સામે પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી જેના જવાબમાં ચીખલીના પીઆઈ ડી.કે.પટેલે જણાવ્યુ કે પ્રોહીબિશનના કેસો ગયે વર્ષ કરતા વર્ષે વધુ કરવામાં આવ્યા છે.પરંતુ એમાં તુરત જામીન મળી જતા હોય છે.અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલે પણ આવા આક્ષેપ થોડા દિવસ અગાઉ કર્યા હતા.તો અશોકભાઈ માળીએ લોકદરબારમાં જણાવ્યું હતુ કે મલવાડાથી થાલા સુધી નેશનલ હાઈવે નંબર 8 ઉપર સર્વિસ રોડ અને દારૂના બુટલેગરો વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ કરી હતી. લોકદરબારમાં પાંખી હાજરી રહેતા કાર્યક્રમ અડધો કલાક મોડો શરૂ કરવામાં આવ્યો હતો.

ચીખલીમાં પોલીસનો લોકદરબાર યોજાયો હતો.