• Gujarati News
  • બીલીમોરા પાલિકામાં વિવિધ કમિટીઓની રચના

બીલીમોરા પાલિકામાં વિવિધ કમિટીઓની રચના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનગરપાલિકાની આગામી 1 વર્ષ માટેની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેની આઠ કમિટી પૈકી પાંચ કમિટીઓની ચેરમેનશીપમાં મહિલાઓનો હાથ ઉંચો રહ્યો હતો. જ્યારે કમિટીઓની દરખાસ્ત માટે વિપક્ષો અને ચીફ ઓફિસર વચ્ચે થોડીક શાબ્દિક ટપાટપી બાદ કારોબારીના ચેરમેનપદે સુમનલતાબેન વર્મા અને બાંધકામ ચેરમેન તરીકે નીરૂબેન પટેલની ઘોષણા કરી દેવામાં આવી હતી.

સભાની શરૂઆતમાં એજન્ડાના પ્રથમ કામ ગત સભાની મિનિટસ વંચાણે લેવાના કામે ઉગ્ર ચર્ચા કરતા વિપક્ષી સભ્ય મલંગ કોલીયાએ શાસક પક્ષને ભીસમાં લીધા હતા. તેમણે જણાવ્યું કે સત્તાધારી પક્ષના કિરણ વાઘેલાએ શહેરમાં પાણીના પ્રશ્નની ગત સભામાં કરેલી દરખાસ્તને મુલતવી રાખવાના નિર્ણયની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે પાણી જેવા ગંભીર પ્રશ્ને પાલિકાનું સત્તા પક્ષ ગંભીર નથી. જે પછી ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ નિર્ણય પ્રમુખ પર છોડતા પ્રમુખે વિષય ઉપર ચર્ચા બાકી હોવાનું કહી દરખાસ્તને મુલતવી રાખી હતી.

બાબતે વિપક્ષોએ જોરદાર વિરોધ કરતા જણાવ્યું કે જો તમારા પક્ષના સભ્યોની દરખાસ્ત તમો લઈ નહીં શકતા હો તો વિપક્ષોનું તો શું કામ કરવાના. જેમાં થોડાક સમય માટે વાતાવરણમાં ખાસ્સી બહેસબાજી ચાલી હતી. ત્યારબાદ કમિટીઓની રચનાનું કામ આગળ વધારતા પાલિકાના માજી પ્રમુખ અશોક પટેલ અને વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવતા સીઓને જણાવ્યું કે નિયમોનુસાર સભા સંચાલનનું કામ કરવામાં આવે. તેમણે ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ એકટની જોગવાઈનો હવાલો આપી સીઓ ઉપર પ્રશ્નોની ઝડીઓ વરસાવતા સીઓ એકપણ શબ્દો બોલી નહીં શક્યા. વિપક્ષી સભ્ય અશોકભાઈએ શાસક પક્ષના સુભાષભાઈ પટેલની કારોબારી અધ્યક્ષ તરીકે તેમના નામની દરખાસ્ત મુકતા શાસક પક્ષ એક સમયે તો મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. શહેર ભાજપ પ્રમુખ અને સભ્ય પ્રજ્ઞેશ પટેલે કારોબારી ચેરમેન તરીકે સુમનલતાબેન વર્માની દરખાસ્ત મુકીને બહુમતિના જોરે મંજૂરીની મહોર લગાવી દીધી હતી. વિવિધ કમિટીઓના ચેરમેનોની નિમણૂકની પ્રક્રિયા કરાઈ હતી.

બીલીમોરા પાલિકામાં સભા મળી હતી.જેમાં હાજર રહેલા મહાનુંભાવો.

આગામી એકવર્ષ માટે કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુમનલતાબેન કનૈયાલાલ વર્માની નિમણૂક કરાઈ હતી. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નીરૂબેન રામુભાઈ પટેલ, આરોગ્ય અને હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે તેજલબેન ગૌરાંગ જોષી, વોટરવર્કસ કંટ્રોલિંગ સમિતિના ચેરમેન તરીકે રંજનબેન કેતન દેસાઈ, ફાયર એન્ડ લાઈટ સમિતિના ચેરમેન તરીકે મુકેશ ચંદુભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે ભાવનાબેન મુકેશભાઈ પટેલ, શાળા સમિતિના ચેરમેન તરીકે ભરત પુરૂષોત્તમભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ અને સિટી ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે નરેશ નગીનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. પક્ષના નેતા તરીકે પ્રદીપ જમનાદાસ ધીવર અને દંડક તરીકે કિરણ કેશવ વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી.

કોને કયુ ખાતા મળ્યું