• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • ગણદેવી તાલુકાનાં ગામોમાં સતત વરસાદથી વાવેતર પૂરજોશમાં જામ્યું

ગણદેવી તાલુકાનાં ગામોમાં સતત વરસાદથી વાવેતર પૂરજોશમાં જામ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકામાં પાંચ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. હાલ તાલુકાની નદીઓના પાણી ઓસરતા પૂરનું સંકટ ટળ્યું હતું. શનિવાર સાંજ સુધી 75 મિ.મિ. (3 ઇંચ) વરસાદ સાથે મોસમનો કુલ 902 મિ.મિ. (36.8 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખરીફ પાકોનું વાવેતર પણ ગત વર્ષ કરતા વધવાની સંભાવના જોવાઈ રહી છે.

પાંચમા દિવસે પણ વરસાદે સૌને તરબોળ કર્યા છે. શનિવારે અષાઢી બીજના દિવસે ગણદેવી તાલુકામાં વરસાદ ચાલુ રહ્યો હતો. શનિવારે સાંજે 4.00 કલાક સુધીમાં મોસમનો કુલ 902 મિ.મિ. (36.8 ઈંચ) વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં વરસતા વરસાદે તાલુકાની લોકમાતા અંબિકા, કાવેરી, પનિહારી અને વેંગણિયા ભયજનક વહી રહી હતી. જોકે હાલ વરસાદનું જોર થોડું ઓછું થતાં નદીઓ સામાન્ય વહી રહી છે.

પૂરનું સંકટ ટળતાં 21 ગામના અને શહેરી વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી. હાલ અંબિકા નદી 4.140ની સપાટી પર વહી રહી છે. વરસાદની હેલી વચ્ચે ખરીફ ખેતીપાકોનું વાવેતર પુરજોશમાં શરૂ થયું છે.

2017માં 2073 હેકટર વિસ્તારમાં ડાંગર, 395 હેકટરમાં લીલો પડવાસ, 165 હેકટરમાં ઘાસચારો, 415 હેકટર વિસ્તારમાં શાકભાજી અને 443 હેકટરમાં ફુલઝાડનું વાવેતર થયું હતું. જ્યારે ગત વર્ષે કરતા ચાલુ વર્ષે સાનુકૂળ વાતાવરણ અને વ્યાપક વરસાદ વચ્ચે ડાંગરનું વાવેતર વધવાની સંભાવના હોવાનું ગણદેવી ખેતી વિસ્તરણ અધિકારીના કેશવભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...