• Gujarati News
  • National
  • ‘મારા દીકરાને લૂઝ બતાવી આવું’ કહી ગઠિયો રૂ.1.25 લાખનું સોનું લઈ ફરાર

‘મારા દીકરાને લૂઝ બતાવી આવું’ કહી ગઠિયો રૂ.1.25 લાખનું સોનું લઈ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના સરદાર હોસ્પિટલ સામે આવેલ ટાવરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા એક વેપારીને ત્યાં શુક્રવારે સાંજના સમયે બાઈક લઈને આવેલ એક ગઠિયાએ જ્વેલર્સને વાતમાં ભોળવી 43 ગ્રામ વજનનું સોનાનું લૂઝ મારા દીકરાને બતાડીને આવું છું એમ કહી નાસી છૂટ્યો હોવાનો બનાવ નોંધાયો હતો. આ છેતરપિંડીના બનાવમાં ગઠિયો જે બાઈક લઈ જ્વેલર્સને ત્યાં આવ્યો હતો એ બાઈક ભરૂચ ખાતેથી ચોરાઈ હોવાનું તપાસમાં ખૂલ્યું છે.પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ 1.25 લાખના લૂઝની છેતરપિંડી અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી

બારડોલી ખાતે સાઈછાયા બંગ્લોઝમાં રહેતા બબલુભાઈ નંદલાલ સામંતા બારડોલી સરદાર હોસ્પિટલ નજીક આવેલ નવરત્ન ટાવરમાં પૂજાદેવ જ્વેલર્સ નામની સોનાચાંદીની દુકાન ધરાવે છે.બબલુભાઈ શુક્રવારે સાંજના સમયે એમની દુકાનમાં બેઠા હતા ત્યારે અંદાજિત 35 વર્ષની ઉમર ધરાવતો એક ઈસમ બાઈક લઈ એમની જ્વેલર્સ શોપ પર આવ્યો હતો.તેણે પોતાના દીકરા માટે સોનાનું લૂઝ ખરીદી કરવાનું જણાવી લૂઝ કઢાવ્યા હતા.

આ સમયે ઉપરોક્ત ઈસમે જ્વેલર્સ સાથે મીઠી મીઠી વાતો કરી એમને વાતમાં ભોળવ્યા હતા.એણે જુદી જુદી ડિઝાઇનના સોનાના લૂઝ કઢાવ્યા બાદ એ પૈકીનું એક 43 ગ્રામનું વજનનું લૂઝ પસંદ કર્યું હતું. આ લૂઝની કિંમત બાબતે પૂછતાં જ્વેલર્સે એને 1,25,000ની કિંમત કહી હતી. બાદમાં આ ગઠિયાએ લૂઝ પસંદ પડી ગયું છે મારે ખરીદવું જ છે પરંતુ મુદીત પેલેસમાં રહેતા મારા દીકરાને આ લૂઝ બતાવી ને આવું છું એમ કહ્યું હતું.ગઠિયાની વાતમાં આવી ગયેલ જ્વેલરે આ અજાણ્યા ઈસમ પર વિશ્વાસ કરી એને સોનાનું લૂઝ આપ્યું હતું અને એની સાથે પોતાના દુકાનમાં નોકરી કરતા ઈસમને સાથે મોકલ્યો હતો. આ ગઠિયો પોતાની સાથે લાવેલ હીરો હોન્ડા બાઈક નંબર GJ-16 A 4112 લઈ દુકાનદારના માણસ સાથે જ્વેલર દુકાનેથી રવાના થઇ ગયો હતો.મુદીત પેલેસ પહોંચેલ આ અજાણ્યો ઈસમ દુકાનના કર્મચારીને નીચે ઉભો રાખી હમણાં આવું છું એમ કહી બાદમાં નાસી છૂટ્યો હતો.

સાંજે સાત કલાકની આસપાસ દીકરાને લૂઝ બતાવવા ગયેલ આ ઈસમ બાદમાં પરત નહીં આવતાં જ્વેલર્સને પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું. આ અંગે જ્વેલરે બારડોલી પોલીસનો સંપર્ક સાધી છેતરપિંડી અંગે જાણ કરી હતી પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ પણ કરી હતી પરંતુ ગઠિયો હાથમાં આવ્યો ન હતો.આ બનાવમાં બબલુભાઈએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ રૂ.1,25,000 ની કિંમતનું સોનાનું લૂઝ છેતરપિંડી કરી જવાની બાબતે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

ગઠિયો આ રીતે કળા કરી ગયો
ગઢિયાએ પ્રથમ સોનાનું લૂઝ ખરીદવાનો ડોળ ઉભો કરી જવેલર્સને વિશ્વાસમાં લીધો હતો.બાદમાં તેણે હું મુદીત પેલેસમાં રહું છું અને મારા દીકરાને લૂઝ બતાડીને એવું છું એવી વાત કરી હતી.જ્વેલર્સે આ ગઠિયા સાથે પોતાના દુકાનના કર્મચારી વિકાસ મોદીને મોકલ્યો હતો.વિકાસ અને અજાણ્યો ઈસમ બાઈક પર બેસી નગરમાં આવેલ મુદીત પેલેસ સુધી ગયા હતા.અહીં પહોંચ્યા બાદ ગઠિયાએ કર્મચારીને નીચે ઉભો રાખ્યો હતો અને હું હમણાં આવું છું એમ કહી ચાલી ગયો હતો.અજાણ્યા ઈસમના ગયા ના પંદરવીસ મિનિટ બાદ પણ એ પાછો નહીં ફરતા જવેલર્સના કર્મચારીએ પોતાના માલિકને અંગે જાણ કરતા એઓ મુદીત પેલેસ પર દોડી આવ્યા હતા અને અજાણ્યા ઈસમની તપાસ કરી હતી પરંતુ એ મળ્યો ન હતો

ઢગ રીઢો ગુનેગાર હોવાની શક્યતા બળવત્તર
આ છેતરપિંડીના બનાવમાં અજાણ્યો ઈસમ જે બાઈક લઈને આવ્યો હતો એ બાઇક હીરો હોન્ડા સ્પેલન્ડર નંબર (GJ- 16 A- 4112) અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા આ બાઇક ભરૂચ શહેર માંથી ચોરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.ચોરીની બાઇક લઈ જવેલર્સ સાથે છેતરપિંડી કરવા આવેલ આ ઈસમ રીઢો ગુનેગાર હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...