તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી પાલિકામાં 45 ટકા સ્ટાફ ખાલી હોવાથી નગરનાં અનેક કામો ખોરવાયાં

બારડોલી પાલિકામાં 45 ટકા સ્ટાફ ખાલી હોવાથી નગરનાં અનેક કામો ખોરવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરપાલિકામાં ઘણા સમયથી સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે. મંજૂર મહેકમ મુજબ પાલિકામાં 135 જેટલો સ્ટાફ હોવો જોઈએ તેની સામે હાલ 75 જેટલા કર્મચારીઓથી કામગીરી કરવી પડી રહી છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા વિભાગમાં કર્મચારીઓની વધુ પડતી ઘટને કારણે કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાલિકાની મહત્ત્વની ખાલી જગ્યા પર ઇનચાર્જથી વહીવટ ગબડાવવામાં આવી રહ્યો હોવાથી નગરજનોને હાલાકી પડી રહી છે. વધુમાં વિકાસલક્ષી કામો અંગે યોગ્ય આયોજન થઇ શક્તુ હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી નગરપાલિકા વિસ્તારમાં કુદકે ને ભૂસકે વસ્તી વધી રહી છે, હાલ લગભગ 70 હજારનો આંકડો પાર થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે. જેની સામે નગરપાલિકાનું મંજૂર મહેકમ ઓછું પડી રહ્યુ છે.વર્ષો જૂનું મહેકમ આજે પણ અમલમાં છે. જો કે મંજૂર મહેકમની સામે પણ પાલિકામાં હાલમાં 45 ટકા જેટલી જગ્યાઑ ખાલી પડેલી છે. જેને કારણે લોકોના પ્રશ્ન હલ કરવામાં પાલિકાને મુશ્કેલી પડી રહી છે. વિકાસના કામો બાબતે ગુણવત્તા નક્કી કરવી મુશ્કેલ હોવાનું જાણવા મળેલ છે. નગરપાલિકામાં હાલ અધિકારીઓ અને કર્મચારી મળી કુલ 135નું મહેકમ મંજૂર થયેલું છે, જે પણ વર્ષ 2004માં મંજુર થયું હતું. 135માંથી હાલમાં પાલિકામાં માત્ર 75 જગ્યાઓ ભરાયેલી છે. હાલ માત્ર 55 ટકા જેટલું મહેકમ હોવાને કારણે પાલિકાની વહીવટી પ્રક્રિયા પણ ગોકુલગાયની ગતિએ ચાલી રહી છે. અનુભવી સ્ટાફ ધીમે ધીમે નિવૃત થઈ રહ્યો હોય કામોમાં બાધા આવી રહી છે.

પાલિકાના સૌથી મહત્વના ગણાતા આરોગ્ય વિભાગમાં સૌથી વધુ સ્ટાફ અછત જોવા મળી રહી છે. પાલિકામાં મહત્તવની ગણાતી એકાઉન્ટન, ઓએસ, સિવિલ એન્જીનીયર, આરોગ્ય અધિકારી, ટેક્ષ અધિકારી સહિતની જગ્યા વર્ષોથી ખાતી હોવા છતાં ભરતી કરવામાં આવી હોવાથી પાલીકાના વિકાસના કામો ઇનચાર્જના આધારે વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. પરીણામે નગરજનોને અગવડતા વેઠવાનો વારો આવે છે. સરકાર પાલિકાના મહેકમ બાબતે યોગ્ય વિચારણા કરી ખાલી બેઠક ભરપાઇ કરે તો,વિકાસનો ગ્રાફ ઉચ્ચ લેવલ પહોંચી શકે.

નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ

આરોગ્ય શાખામાં આરોગ્ય અધિકારી ઉપરાંત 1 ક્લાર્ક, 2 મુકાદમ, 7 ક્લીનર, 7 ડ્રાઈવર અને 4 મેલેરિયા વર્કર મળી કુલ 22 જગ્યાઓ ખાલી છે. જોકે, મલેરીયા વર્કર માટે ભરતી અંગેની જાહેરાત પ્રશિધ્ધ થઇ ગઇ હોવાથી ટૂંક સમયમાં ભરપાઇ થઇ જશે. ઉપરાંત અન્ય વિભાગો જેવા કે સામાન્ય વહીવટી શાખામાં 1 ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, 1 રજીસ્ટ્રી ક્લાર્ક, 2 ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, હિસાબી શાખામાં 1 હિસાબનીશ, 1 ઓડિટર, 2 પટાવાળા, વેરા શાખામાં 1 ટેક્સ સુપ્રિટેન્ડન્ટ, 2 ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, બાંધકામ શાખામાં 1 મ્યુન્સિપલ એંજિનિયર, 1 સ્ટોર કીપર કમ ક્લાર્ક, 1 વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થામાં 1 હાઈડ્રોલિક એંજિનિયર, 1 ડ્રાઈવર, 3 પંપમેન, 1 ક્લાર્ક, 5 પટાવાળા, 10 ડ્રેનેજ સફાઈ કામદાર, 1 મુકાદમ, અન્ય વિકાસ લક્ષી સામૂહિક સંગઠનમાં 1 કૉમ્યુનિટી ઓર્ગેનાઇઝર અને 1 કલાર્કની જગ્યા ખાલી છે. જેને લઈ નગરપાલિકાના વહીવટમાં મુશ્કેલી આવી રહી છે.

પાલિકાના અનેક હોદ્દાઓ પર ઇનચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે

પૂરતા સ્ટાફના અભાવે નગરના વિકાસનું આયોજન કરવું પણ મુશ્કેલ બન્યું

અન્ય સમાચારો પણ છે...