કડોદરામાં 2 યુવકો પાસેથી 17 હજાર લૂંટી લેનારા 2 ઝડપાયા
પલસાણાતાલુકાના કડોદરામાં રાત્રિના સમયે બે યુવાનો પાસેથી ચપ્પુની અણીએ 17 હજારની લૂંટ ચલાવવાના પ્રકરણમાં કડોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કડોદરા ખાતે મહાદેવ નગર યાદવ ભવન પહેલા માળે રૂમ નં 12માં રહેતા અને મૂળ બિહારનો આસુતોષ ગંગાધર મહંતો (29) પોતાના મિત્ર પવન કુમાર સાથે રાત્રિના 8.00 વાગ્યે કડોદરા હનુમાન મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં ઊભા હતાં ત્યારે એક મેસ્ટ્રો ગાડી નંબર (GJ-19AJ-6489) પર ત્રિપલ સવાર દીપકસિંગ (રહે. મુજફ્ફર પુર યુપી), કનૈયા ગુપ્તા (રહે. બલીયા યુપી) અને ત્રીજો અજાણ્યો ઈસમ આવ્યા હતાં. અને અજાણ્યા ઈસમ પવનના શર્ટનો કોલર પકડી લીધો હતો. જ્યારે દીપકસિંગે ચપ્પુ કાઢી બતાવી બંને યુવાનોને બે-બે તમાચા માર્યા હતાં. અને જણાવેલ કે તુમ ઈધર ક્યા કર રહે હો તુમ્હારા પાસ જો હૈ વો મુજે દેદો તેવું જણાવી બળજબરી કરી ત્રણે ઈસમોએ બંને યુવાનો પાસેથી 17550ની લૂંટ ચલાવી ભાગી છૂટવાની ઘટનામાં કડોદરા પોલીસે ચોક્કસ હકીકતને આધારે દીપકસિંગ શત્રુઘ્ન સિંઘ ભૂમિહાર (22) (રહે. ભવાની હોટલની ગલીમાં કડોદરા, મૂળ રહે. બિહાર) તેમજ કનૈયાકુમાર પન્નાલાલ શાહ (20) (રહે. ભરત મિલની બાજુમાં વરેલી, મૂળ રહે. યુપી)ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અન્ય હકીકતો બહાર આવવાની શક્યતા છે.
બંને લૂંટારૂને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ