ટ્રકોમાંથી સળિયાની બારોબાર ચોરી કરવાનું કૌભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની આર.આર.સેલે ટ્રેલરના ડ્રાયવર અને કલીનરની મીલીભગતથી ચાલતાં સળિયા ચોરીના કૌભાંડનો ભાંડો ફોડી મુખ્ય સુત્રધાર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. 75 હજાર કીલોથી વધારે સળિયા, ચાર વાહનો અને રોકડ રકમ સહિત 90 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરાયો છે. સળિયાની હેરાફેરી કરતાં ટ્રેલરોને ગોડાઉન પર લાવી તેમાંથી સળિયાની ચોરી કરી લેવાતી હતી.

વડોદરા આર આર સેલની ટીમને અંકલેશ્વરથી પાનોલી જવાના રોડ પર એક વેબ્રિજની બાજુમાં આવેલ ગોડાઉનમાં વિમલ રાજપુરોહિત નામનો ઈસમ હાઇવે પરથી લોખંડના સળીયા ભરીને પસાર થતી ટ્રકોમાંથી ચાલક અને ક્લીનરની મીલીભગતથી સળીયા કાઢી લઈને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

આર.આર.સેલની ટીમે ગોડાઉન પર દરોડા પાડયાં હતાં. જેમાં સળીયા ભરેલ 2 ટ્રેલર અને એક ટેમ્પો તેમજ બે કાર કબ્જે કરી હતી. વિમલ રાજપુરોહિતની પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા તેની સાથે રહેલાં 5 ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે 75 હજાર કિલોથી વધારે સળિયા તથા વાહનો મળી 90 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. આર.આર. સેલના રાજુ બ્રહ્મભટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.

ઝડપાયેલાં આરોપી
વિમલ રાજપુરોહિત (અંકલેશ્વર) લીખમરામ ચૌધરી (રાજસ્થાન) રામ ઉજાગર તિવારી (અન્સાર માર્કેટ, અંકલેશ્વર) હનવંતસિંહ રાજપુરોહિત (ભરકોદરા, અંકલેશ્વર) ધર્મારામ ચૌધરી (રાજસ્થાન)

સળિયાની ચોરી કેવી રીતે કરાતી હતી
સ્ટીલની ફેકટરીમાંથી સળિયા ભરીને નીકળતી ટ્રેલરના ડ્રાયવર અને કલીનર સાથે વિમલ રાજપુરોહિત સાંઠગાઠ કરી લેતો હતો. ફેકટરીમાંથી નીકળતાં ટ્રેલરને પાનોલી જવાના રોડ પર ગોડાઉનમાં લાવવામાં આવતાં હતાં. જયાં જરૂરિયાત મુજબ સળીયા વજન કરી કાઢી લઇ કાપી બરોબર અન્ય ટેમ્પામાં ભરી સગેવગે કરી દેવામાં આવતા હતાં. સ્થળ પર માત્ર સળીયા કાપવાનું મશીન રાખતા હતા.

કેમિકલની જેમ હવે સળિયાની ચોરી
ભરૂચ જિલ્લાની જીઆઇડીસીમાં કેમિકલ ભરીને આવતાં ટેન્કરોના ડ્રાયવરની મિલીભગતથી કેમિકલ ચોરીનું કૌભાંડ અનેક વખત બહાર આવી ચુકયાં છે. હાઇવે પરની હોટલો પર ટેન્કરો ઉભા રાખી તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હોય છે. પ્રથમ વખત ટ્રેલરમાંથી સળિયા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છેે.

સળિયા અને વાહનો સહિત 90 લાખ રૂા.નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી
ડ્રાઇવર-કલીનરની મિલીભગતથી ટ્રેલર ગોડાઉન પર લવાતાં હતાં
અંક્લેશ્વરમાં વડોદરાની આર.આર.સેલે લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડયુ છે. પોલીસે 90 લાખનો મુદામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડયા છે. -હર્ષદ મિસ્રી

પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ
આયસર ટેમ્પો રૂા. 12 લાખ

બે ટ્રેલર રૂા. 40 લાખ

બે કાર રૂા. 06 લાખ

સળિયા રૂા. 30.49 લાખ

રોકડા રૂા. 1.75 લાખ

સળીયા કાપવાનું મશીન રૂા. 3,000

અન્ય સમાચારો પણ છે...