• Gujarati News
  • ડાંગના પોલીસના દરબારમાં અનેકવિધ પ્રશ્નોની વણઝાર

ડાંગના પોલીસના દરબારમાં અનેકવિધ પ્રશ્નોની વણઝાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગનાસુબીર પોલીસ મથકે જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં આજે લોકદરબાર યોજાયો હતો. જેમાં લોકોએ તેમની મૂળભૂત સમસ્યાઓની પણ રજૂઆત કરી હતી. લોકો અને આગેવાનોએ પોલીસની કામગીરી બાબતે ઉઠાવેલા સવાલના જવાબમાં જિલ્લા પોલીસવડાએ યોગ્ય અને નિષ્પક્ષ તપાસના પણ આદેશ આપ્યા હતા.

તાલુકા મથક સુબીર ખુબ મોટુ ગામ હોય ત્યાં ઘર ઘર પાણીની યોજના થકી પર્યાપ્ત પાણી મળતું હોવાથી ત્યાં મિની પાઈપલાઈન યોજના મંજૂર કરવા અંગે સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરીહતી. સુબીરની નવજ્યોત શાળામાં કે જ્યાં ડાંગના સાતસો જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે તેમને પાણીની ઘટ હોઈ નવી કોઈ યોજના મંજૂર કરવામાં આવે એવી પણ રાજકીય આગેવાનો દ્વારા માગ ઉઠી હતી. સુબીરમાં 66 કેવી સ્ટેશન બની ગયા બાદ સ્ટેશનની લાઈનમાં આવતા વૃક્ષોના કટિંગ બાબતે જંગલખાતાના ઓરમાયા વર્તન અંગે પણ ધારાસભ્ય મંગળ ગાંવિતે રજૂઆત કરી હતી. ડાંગના ગારખડી અને પીપલદહાડ ગામે બીએસએનએલનું ટાવર મંજૂર થયાને વર્ષ થયું જે કામ ખોરંભે પડ્યું છે જે સત્વરે પુરૂં કરવા માટે રાજેશ પવારે રજૂઆત કરી હતી. કોઈ અકસ્માતમાં મરણ થયાના પ્રસંગે લાશનું પોસ્ટમોર્ટમ કરવા બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હદ વિસ્તારનું બહાનું કરી પીએમ નહીં કરી, ડોકટરો દ્વારા લોકોને કરવામાં આવતી કનડગત બાબતે પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. સુબીર તાલુકાના ખાંભલા ગામે પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાબતે પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કમલેશ પટેલે જણાવ્યું હતું કે માત્ર લગ્નમાં રાત્રે જુગાર રમાય છે એજ નહીં પણ દિવસે પણ જ્યાં જુગાર રમાય છે તમામ બંધ કરવામાં આવે. તમામ પ્રશ્નોના જવાબ આપતા જિલ્લા પોલીસ અધિક્ષક વિનય ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓ જે તે વિભાગના સહયોગથી દૂર થશે જ્યારે પોલીસને લગતા પ્રશ્નોમાં તટસ્થ તપાસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.