• Gujarati News
  • વારલી પેઈન્ટિંગમાં સુરતના 2 સ્પર્ધકે મેદાન માર્યું

વારલી પેઈન્ટિંગમાં સુરતના 2 સ્પર્ધકે મેદાન માર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારામાંસ્થાનિક તંત્ર અને હોટલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મ મહોત્સવમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો અને દૈનિક મનોરંજન સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેમાં પ્રવાસીઓ ભાગ લઈ યાદગાર સંભારણુ સાપુતારાની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છે. વિવિધ રમતોમાં ભાગ લઈ પ્રવાસીઓના ઉત્સાહમાં અનેરો વધારો જોવા મળી રહ્યો છે. આજે ગિરીમથકે વારલી પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં સુરતના બે સ્પર્ધકે પ્રથમ અને દ્વિતિય ક્રમે રહીને મેદાન માર્યું હતું.

સાપુતારામાં ગ્રીષ્મ મહોત્સવ 10 દિવસીય મેગા ઈવેન્ટમાં વિવિધ રંગારંગ કાર્યક્રમની રમઝટ સાથે ડાંગી સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરતું વારલી પેઈન્ટિંગ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી ઉમટી પડેલા પ્રવાસીઓએ પણ સુવિખ્યાત વારલી પેઈન્ટિંગ સ્પર્ધામાં પોતાનો હાથ અજમાવ્યો હતો. 98 ટકા આદિવાસી વસતિ ધરાવતો ડાંગ જિલ્લામાં વસતા વારલી અને કુંકણા જાતિના લોકોમાં પચવીના ચિત્રો વારલી પેઈન્ટિંગના નામે જગવિખ્યાત બન્યા છે. પચવીનો અર્થ થાય છે નાગપંચમીના તહેવાર ઉપર દોરવામાં આવતી ભીત ઉપરની ચિત્રકલા વારલી અને કુંકણા આદિવાસીઓમાં નાગપુજા ઘણી મહત્ત્વની મનાય છે. આમ વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણીરૂપે તૈયાર કરવામા આવે છે. ચિત્રો દોરવાથી પરિવાર પર કોઈ સંકટ કે આફત આવતી નથી એવી આદિવાસી લોકમાન્યતા પણ જાણીતી છે. સિવાય આદિવાસી જીવનની ઝાંખી કરાવતા રોજબરોજના ક્રિયા કલાપોનું પણ ચિત્રાંકન કરવામાં આવે છે. જેમાં ગાયો, ખેડૂત, નૃત્ય, વૃક્ષો, જંગલનું ચિત્રણ ત્રિકોણીય આકૃતિના સંયોજનથી દોરવામા આવે છે. એમાં ચિતારાની ઘણી ખુબીઓ જોવા મળે છે. વારલી પેઈન્ટિંગમાં ખાસ કરી બિનઆદિવાસી બાળકો કે જે જેટયુગમાં શિક્ષણ પામેલા હોય તેઓએ અનાદિ કાળથી ચાલી આવેલી આદિવાસી લોકકલાને જીવંત રાખવા સ્પર્ધામાં ભાગ લઈ સાપુતારાની મુલાકાત એક યાદગાર સંભારણુ બનાવ્યું હતું. સ્પર્ધા સાપુતારાના ગાંધર્વપુરમ આર્ટિસ્ટ, વિલેજના સૂર્યા ગૌસ્વામી, ચંદુભાઈ તથા કાંતિભાઈ પરમાર વગેરેએ સ્પર્ધકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વારલી પેઈન્ટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઈશા કથળીયા, દ્વિતીય ક્રમે પંકિત પટેલ (બંને રહે. સુરત) તથા તૃતીય ક્રમે પ્રાર્થના પટેલ (રહે. વ્યારા)એ સુંદર વારલી પેઈન્ટિંગ દોરી વિજેતા થયાં હતા. કાર્યક્રમ માટે નોટીફાઈડના ના.મામલતદાર રાજુભાઈ પંચાલે જહેમત ઉઠાવી હતી.

સાપુતારાના આર્ટીસ્ટ વિલેજમાં વારલી પેઈન્ટિંગમાં ભાગ લેતા સ્પર્ધકો.

ઉત્સવ