• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | વઘઈમાં 24 કલાકમાં 190 મિ.મી. વરસાદ પડ્યો, 20થી વધુ ગામો જિલ્લાના વહીવટી મથકેથી વિખૂટા

ભાસ્કર િવશેષ | વઘઈમાં 24 કલાકમાં 190 મિ.મી. વરસાદ પડ્યો, 20થી વધુ ગામો જિલ્લાના વહીવટી મથકેથી વિખૂટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના તમામ પંથકોમાં ગતરોજ રાત્રિના અરસાથી શુક્રવારે દિવસભર મેઘરાજાની વરસાદી માહોલ યથાવત રહેતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આજરોજ બીજા દિવસે પણ ડાંગના મોટાભાગના ડુબાઉ કોઝવે કમ પુલ પાણીમાં ગરક રહેતા જીનજીવન પ્રભાવિત થયું હતું.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વઘઈ, સુબીર, આહવા, ચીંચલી, ભેંસકાતરી, કાલીબેલ, સાકરપાતળ, શામગહાન, ગલકુંડ, બોરખલ, પીપલાઈદેવી સહિત અનેક પંથકોમાં ગુરૂવારે રાત્રિ સુમારેથી શુક્રવારે દિવસભર ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ ગતિનો વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે પણ ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવકમાં વધારો નોંધાતા ફરીવાર ડાંગની ચારેય લોકમાતા પૈકી અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ધસમસતા પ્રવાહની સાથે વહેવા લાગી હતી. આજરોજ શુક્રવારે પણ અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીને સાંકળતા દસેક કોઝવે કમ પુલમાં માનમોડી કોઝવે, નડગચોંડ કોઝવે, દબાસ કોઝવે, ઘોડવહળ કોઝવે, સુપદહાડ કોઝવે, કુમારબંધ કોઝવે, ચીખલદા કોઝવે, સોનુનીયા કોઝવે, ચવડવેલ ગાયખાસ કોઝવે અને વાંકણ કોઝવે, દાપુર કોઝવે પાણીના પ્રવાહમાં ગરક રહેતા કલાકો સુધી 20થી વધુ ગામો જિલ્લાના વહીવટીમથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા.

આજરોજ ડાંગ જિલ્લા ફલડ કંટ્રોલ વિભાગ આહવા પાસેથી મળતી મહિતી મુજબ ગતરોજ ગુરૂવારે સાંજે 4 વાગ્યાથી આજે શુક્રવારે 4 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન સાપુતારા પંથકમાં 96 મિ.મિ. એટલે 4 ઈંચ, જ્યારે સુબીર પંથકમાં 86 મિ.મિ. એટલે 3.5 ઈંચ, આહવા પંથકમાં 102 મિ.મિ એટલે 4 ઈંચ અને સૌથી વધુ વઘઈ પંથકમાં 190 મિ.મિ. એટલે 7.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ડાંગમાં બીજા દિવસે પાણીમાં ગરક થયેલા કોઝવે. તસવીર-પાંડુચૌધરી

ડાંગમાં બીજા દિવસે કોઝવે કમ પુલ પાણીમાં ગરક

અન્ય સમાચારો પણ છે...