Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાપુતારા સહિત આહવાના તળાવમાં બ્યુટિફિકેશન થશે
ડાંગજિલ્લાના નૈસર્ગિક પ્રવાસન સ્થળોને વધુ લોકભોગ્ય અને સલામત બનાવવા માટે આગામી દિવસોમાં ગિરિમથક સાપુતારાના હાર્દસમા તળાવ, અને આહવાના તળાવ સહિત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો ખાતે અનેકવિધ સુવિધાઓ પર્યટકો માટે ઉપલબ્ધ થવા જઇ રહી છે.
ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કલેક્ટર એમ.જે.ઠક્કરે આહવા તળાવના બ્યુટીફિકેશન બાબતે લેવામાં આવી રહેલી આર્કિટેક્ટની સેવાઓ સંદર્ભે ચર્ચા કરતાં, અહીં આગામી દિવસોમાં તળાવની સુંદરતામાં વધારો થાય, અને તે વધુ લોકભોગ્ય બને તે માટે મંથન કરાયુ હતું. ડાંગ જિલ્લાના પ્રાકૃતિક પ્રવાસન સ્થળોએ આમ પણ ડાંગ બહારના પર્યટકો વધુ આવતા હોય છે, ત્યારે આહવા નગરવાસીઓ માટે પણ કોઇ સુવિધાયુક્ત અને સલામત પ્રવાસન સ્થળ ઊભુ કરી શકાય તે દિશામાં આહવાના તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરાયુ છે. આગામી દિવસોમાં અહી ચિલ્ડ્રન પ્લે એરીયા સહિત બાગબગીચા, વોક વે, બેઠક વ્યવસ્થા, શૌચાલયની સુવિધા સહિત રોજગારીને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં કલેક્ટરે સંબંધિતોને આગળ વધવાની સૂચના આપી છે. સાપુતારા ખાતે પણ રાજ્ય પ્રવાસન નિગમના સહયોગથી તળાવના નવિનીકરણની સાથે સાથે અન્ય રૂપિયા બેથી ચાર કરોડના ખર્ચે સ્નેક પાર્ક, એક્વેરિયમ, એમ્ફિથિયેટર, ઇન્ટરપિટિશન સેન્ટર, પ્લે એરીયા અનેકવિધ પ્રકલ્પો ઉપલબ્ધ કરાવવાની દિશામાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત વઘઇનો ગીરાધોધ, સિંગાણા (ગીરમાળ)નો ગીરમાળ ધોધ, મહાલ-કિલાદ અને દેવિનામાળ જેવી વનવિભાગની કેમ્પ સાઇટ સહિતના અન્ય પ્રવાસન સ્થળોને પણ વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં કલેક્ટર સહિત અધિકારીઓએ વિમર્શ કર્યો હતો.
પ્રવાસન સમિતિની બેઠકમાં કલેક્ટરે માર્ગદર્શન આપ્યું