• Gujarati News
  • National
  • આહવા સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધનોના અભાવે દર્દીઓને હાલાકી

આહવા સિવિલ હોસ્પિટલમાં જરૂરી સાધનોના અભાવે દર્દીઓને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવાખાતે આવેલી અને વીસ કરોડના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલ હાલ પૂરતા ડોકટરો છે પરંતુ જરૂરી સાધનોના અભાવે દર્દીઓને સેવાનો લાભ મળતો નથી. જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુના નામે માત્ર એક રૂમ છે. જેમાં કોઈ સાધનો નથી. અંગે સિવિલના તંત્રએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

આશરે 20 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મહત્તમ ડોકટરોની જગ્યાઓ ભરાઈ ગઈ છે. નિષ્ણાંત ડોકટરો પણ નિયમિત પોતાની સેવા આપી રહ્યા છે પરંતુ જીવન જરૂરી સાધનોના અભાવને ગંભીર બીમારીઓમાં દર્દીઓને સેવાનો લાભ મળતો નથી. હાલ ફિઝીશિયન, ગાયનેક, પિડિયાટ્રીશિયન, એનેસ્થેસિયા, સાયક્યાટ્રીશિયન, સાયકોલોજીસ્ટ, ડેન્ટીસ્ટ, કાન-નાક-ગળાના સર્જન અને આંખના સર્જન સેવા આપી રહ્યા છે.

તાજેતરમાં સાદડવિહિર ગામે સંતુ રમણ ભોયે (ઉ.વ.45)એ ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને 108 એમ્બ્યુલન્સ દ્વારા આહવા સિવિલમાં લાવવામા આવતા ફિઝીશિયન ડો. પૂજા ટંડેલ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે કુકડનખીની એક મહિલા કલા અનિલ કોટવાડિયાને સર્પદંશ થતા તેઓને પણ બચાવી લેવાયા છે. સિવિલમાં માત્ર એક વેન્ટીલેટર હોવાથી એક સાથે એકથી વધારે ઈમરજન્સી કેસો આવે ત્યારે દર્દીઓને વલસાડ સિવિલમાં ખસેડવામાં આવે છે. સિવિલમાં કાન-નાક-ગળાના સર્જન ઉપલબ્ધ છે પરંતુ જરૂરી સાધનોના અભાવે સર્જરી થઈ શકતી નથી. ડાંગ જેવા પછાત આદિવાસી વિસ્તાર માટે પહેલીવાર નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપલબ્ધ છે ત્યારે જરૂરી સાધનોની માગ ઉઠવા પામી છે.

નવનિર્મિત આહવા સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ. તસવીર- પાંડુ ચૌધરી

હોસ્પિટલમાં માત્ર એક વેન્ટીલેટર હોવાથી બીજા દર્દને વલસાડ રીફર કરવા પડે છે

અન્ય સમાચારો પણ છે...