ખેરગામ ગ્રા.પં.ના નવા ઇ.સરપંચ તરીકે કાર્તિક પટેલે પદભાર સંભાળ્યો
છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી ખેરગામની ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચના ખાલી પડેલા સ્થાન માટે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં કાર્તિક પટેલનો 9 મતે વિજય થતા બુધવારે ઇ.સરપંચનો ચાર્જ આપવામાં આવ્યો હતો.
ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ ફરજ મોકૂફ થતાં છેલ્લા સવા વર્ષથી ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચ ધાર્મિષ્ઠા ભરુચાને આપવામાં આવ્યો હતો, પરંતુ ધર્મિષ્ઠા ભરુચાની કામગીરીથી અસંતોષ રહેતા પંચાયતના 16 પૈકી 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. ઉપસરપંચ ચૂંટાનારને સરપંચનો ચાર્જ મળી શકે તેમ હોવાથી ઉપસરપંચની ચૂંટણીમાં ત્રણથી ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. છેલ્લે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થતા કાર્તિક પટેલ 9 મતે વિજેતા બનતા તેમને ઉપસરપંચ જાહેર કરાયા હતા. ખેરગામ તા.વિ.અધિકારી ભાર્ગવ માહલાએ 30મી માર્ચે હુકમ કરી લાંચકાંડમાં પકડાયેલા માજી સરપંચ સવા વર્ષ પૂર્વે સરપંચના હોદ્દા પરથી દૂર થયેલા છે, જેથી કાર્તિક પટેલ-ઉપસરપંચને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ખેરગામ ગ્રામ પંચાયતના ઈ.સરપંચ તરીકેની કાર્યવાહી કરવા આદેશ થયો હતો.
ખેરગામ ગ્રા.પં.ના ઇ.સરપંચ તરીકે કાર્તિક પટેલે પદભાર સંભાળ્યો હતો.