ઝઘડીયા તાલુકામાં માત્ર મોટા પુલિયા તોડી તંત્રની લીપાપોથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડીયા તાલુકાના તોથીદરા, વેલુગામ અને તરસાલીમાં રેતીના લીઝ ધારકોએ નદીમાં બનાવેલાં મોટા પુલિયા તોડી પાડી નદીનો પ્રવાહ ખુલ્લો કર્યો છે. લીઝધારકોએ ઓછા પ્રવાહવાળા વિસ્તારોમાં બાંધી દીધેલા પુલિયા સ્થાનિક વહીવટીતંત્ર કયારે તોડે છે તે હવે જોવું રહયું છે.

નર્મદાના કિનારા પર લીઝ સંચાલકો દ્વારા નર્મદાના બે પટની વચ્ચેથી ભરૂચ અને વડોદરા જિલ્લાની લીઝોમાંથી રેતી ખનન કરી ઝગડીયા તરફના કિનારા પર વહી લાવવા માટે ઝગડીયા તાલુકા તરફના તરસાલી, ટોથીદરા, વેલુગામના કિનારા પર કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર વર્ષોથી રેતીની બેગો ભરી અને મોટા ભૂંગળા નાખી પુલીયા બનાવી દીધાં છે. નદીની વચ્ચે જ બનાવી દેવાયેલા પુલિયાના કારણે નદીનો પ્રવાહ અવરોધાયો છે. સ્થાનિક તંત્રએ કોઇ કાર્યવાહી નહિ કરતાં બે દિવસથી વીજીલન્સની ટીમ પુલિયા તોડવાના કામે લાગી છે. અધિકારીઓએ ત્રણેય ગામમાં નદીની વચ્ચે બનાવી દેવાયેલા 1000 મીટરથી વધુ લાબા પુલિયાઓનો અમુક હિસ્સો તોડી પાણીનો પ્રવાહ ખુલ્લો કર્યો છે. લીઝ સંચાલકોએ નર્મદાના ઓછા પ્રવાહવાળા પટમાં 50થી 100 મીટર લાંબા પટમાં પુલિયા બનાવી દીધાં છે. સ્થાનિક અધિકારીઓ આ પુલિયા સંપૂર્ણપણે દુર નહિ કરે તો આગામી દિવસોમાં ફરી લીઝ ધારકો તેને મોટા કરી ફરી નર્મદા નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરી દેશે તેમાં કોઇ બે મત નથી. વીજીલન્સે તેની કામગીરી પુરી કરી મોટા 5 પુલિયા તોડી પાડયાં છે. હવે સ્થાનિક તંત્ર કેવી કામગીરી કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...