તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનું માથું ફોડી નાખતા તેને પેશાબ થઈ ગયો છતાં છાતી પર બેસી મારવાનું ચાલુ રાખ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ખોડીયાર નગરમાં રહેતી સાવકી માતા 8 વર્ષીય બાળકીને સ્કૂલ લેશન ન કરતા ઢોર માર મારી તેનું માથું દીવાલમાં અથડાવી અથડાવીને લોહી લુહાણ હાલતમાં છોડી પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે બેડરૂમમાં જઇને સુઇ ગઇ હતી. સાંજે બાળકીમાં હલનચલન ન દેખાતા નાટકીય રીતે હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડુંગરા પોલીસે આ કેસમાં આરોપી કુમાતાની ધરપકડ કરી છે.

વાપી છીરી ખોડીયાર નગર ખાતે ચીરાગ રો-હાઉસ નં.2-22માં ભાડેથી રહેતા અને નવી મુંબઇમાં નોકરી કરતા નિલેશ ઉર્ફે મનોજ નિવૃત્તી નેહતે પત્ની કવિતા, તેના અઢી વર્ષીય પુત્ર પાર્થ તથા પહેલી પત્ની પ્રેરણાની 8 વર્ષીય બાળકી સોનાક્ષી સાથે રહે છે. મંગળવારે નિલેશ રાબેતા મુજબ સવારે નોકરી માટે નીકળી ગયો હતો. બપોરના 12.30 કલાકે 8 વર્ષીય સોનાક્ષી કેલકર મરાઠી વઝે સ્કૂલથી ઘરે આવી હતી. સાવકી માતા કવિતાએ 1 વાગે તેને લેશન કરવા કહેવા બાદ બાળકીએ લેશન નહીં કરતા ઢોર માર મારવાનું શરૂ કરી માથું અને મોઢું દીવાલ સાથે જોરથી અથડાવી લોહીલુહાણ હાલતમાં હોલમાં જ છોડી પોતાના પુત્ર પાર્થ સાથે બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. સાંજે સોનાક્ષી હોલમાં જ સૂતેલી હાલતમાં દેખાતા કુમાતાએ નાટકીય રીતે પાડોશીઓને બોલાવી તેને હરિયા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને ...અનુસંધાન પાના નં.3

પાડોશીઓને પણ અંધારામાં રાખી હોસ્પિટલમાં લઈ ગઈ હતી
આરોપી કુમાતા કવિતાએ પરિજનોને જણાવેલ કે, મંગળવારે બપોરે બાળકી સોનાક્ષી સ્કૂલમાંથી આવ્યા પછી એક વાગે તેને લેશન કરવા માટે કહેવા છતાં તે લેશન કરતી ન હોય આવેશમાં આવી પ્રથમ તેણીનું મોઢુ દીવાલ સાથે જોરથી અથડાવેલ તે પછી તેણીનું માથુ પકડી જોરથી દીવાલમાં અથડાવતા લોહી નીકળ્યા બાદ તેને પેસાબ થઇ ગયેલ. ત્યારબાદ ફરીથી કુમાતાએ તેને છાતીમાં તેમજ શરીરે ઢીકમુક્કીનો માર મારેલો અને તેના કપડા બદલાવી કપડા બાથરૂમમાં મુકી બાળકીને હોલમાં જ છોડી છોકરો પાર્થ રડતો હોય તેને લઇ બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. સાંજે સોનાક્ષી હોલમાં જ સુતેલી હાલતમાં દેખાતા તેને જગાડવા જતા કોઇ જવાબ ન મળવાથી નાટકીય રીતે પાડોશીઓ સાથે હરિયા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આરોપી કવિતા

ક્રુર માતાને કોઇ પસ્તાવો નથી
હત્યાનો ભેદ ઉકેલાતા ડુંગરા પોલીસે ગુરૂવારે સવારે કુમાતા કવિતાની ધરપકડ કરી હતી. જેને લઇ મીડિયા કર્મીઓ તેના ફોટો પાડવા પોલીસ મથકે પહોંચ્યા હતા. તે સમયે આરોપી કુમાતા તમામને ગુસ્સામાં જોઇ રહી હતી. ચહેરાને જોઇ બાળકીને પતાવ્યા બાદ પણ તેને કોઇ પછતાવો ન હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું.

બાળકીએ પિતાને ફરિયાદ કરી હતી
સાવકી માતા અગાઉથી જ હોમવર્ક, ઘરકામ જેવા નજીવી બાબતે અવારનવાર બાળકીને માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી. રાત્રે નોકરી પરથી આવતા પિતાને બાળકીએ અગાઉ ઘણીવાર આ અંગે ફરિયાદ કરી હતી. જોકે પિતાએ આ વાતને અનદેખી કરી દેતા ગંભીર પરિણામ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...