તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણ દીવ અને દાનહમાં ગુડફ્રાઇ ડે ની રજા રદ કરવાના મામલે પ્રશાસનને હાઇકોર્ટની લપડાક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં ગુડફ્રાઇ ડેની રજાને પ્રશાસને શિડયુલ 1 માંથી બે માં કરી દેતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. સંઘપ્રદેશમાં ગુડફ્રાઇ ડે ની રજાને રદ કરવાના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પ્રશાસનને ત્રણ દિવસમાં ખુલાસો કરવા માટે કોર્ટે આદેશ કર્યા હતા. જોકે, પ્રશાસન તરફથી ત્રણ દિવસમાં કોઇ ખુલાસો ન કરી શકતા આખરે કોર્ટે સોમવારે ગુડફ્રાઇ ડે ની રજા યથાવત રાખવાનો ચુકાદો આપતા પ્રશાસનને લપડાક લાગી છે.

સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં ગુડ ફ્રાઇ ડે ની રજાને પ્રશાસન દ્વારા શિડ્યુલ 1 માં કાઢીને શિડયુલ 2માં મુકી દીધી હતી. ગુડ ફ્રાઇ ડે ની રજાને રદ કરવાના નિર્ણયથી પ્રદેશમાં વસતા ખ્રિસ્તી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગત નવેમ્બર માસમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગુડ ફ્રાઇ ડેની હોલી ડે ને શિડયુલ 2 માં મુકી દેવાય હતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી કે.જે. અલ્ફોન્સે પણ ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરીને પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ કરીને આ નિર્ણયને રદ કરવા માટે માગ કરી હતી. આગામી 19મી એપ્રિલના રોજ સમગ્ર દેશ અને વિશ્વમાં ગુડ ફ્રાઇ ડે ની ઉજવણી કરવામાં આવશે જેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર તરીકે માનીને જાહેર રજા જાહેર કરી હતી.

સંઘપ્રદેશ પ્રશાસનના આ નિર્ણયને પડકારવા માટે દમણના એન્થોની ફ્રાન્સિસકોએ મુંબઇ હાઇકોર્ટમાં જાહેર હિતી અરજી કરી હતી. આ કેસની ગુરૂવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ પ્રશાસનને ત્રણ દિવસમાં આ અંગે ખુલાસો કરવા માટે જણાવ્યું હતું. જોકે, દમણ દીવ અને દાનહ પ્રશાસન ત્રણ દિવસમાં કોર્ટ સમક્ષ સંતોષકારક જવાબ રજૂ ન કરી શકતા આખરે સોમવારે કોર્ટે ગુડ ફ્રાઇ ડે ની રજાને શિડ્યુલ 1 માં જ રાખીને જાહેર રજા આપવા માટે આદેશ કરાયા છે. શિડયુલ 1 માં આવતી રજામાં તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો સહિતની કચેરીઓમાં જાહેર રજા આપવામાં આવે છે તો શિડયુલ 2 માં કચેરીઓ ચાલુ રહે છે પરંતુ સ્વેચ્છિક રજા રહેતી હોય છે.

સંઘપ્રદેશ દમણમાં ભૂતકાળમાં પોર્ટુગીઝ સાસન હોવાથી ખ્રિસ્તીઓની સંખ્યા વધુ હોવાના કારણે અહીં પ્રદેશમાં ખ્રિસ્તીઓનો દરેક તહેવાર ધામધૂમથી ઉજવાતો હોય છે. એવા સંજોગોમાં પ્રશાસન દ્વારા ગુડફ્રાઇ ડેની રજાને રદ કરી દેવાના નિર્ણયને લઇને સમગ્ર ખ્રિસ્તી સમુદાયમાં નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...