ધરમપુરના અંતરીયાળ વિસ્તારના જામલિયા ગામે બકરા અને ઢોર ચરાવવા
ધરમપુરના અંતરીયાળ વિસ્તારના જામલિયા ગામે બકરા અને ઢોર ચરાવવા સવારે જંગલમાં ગયેલા 45 વર્ષીય યુવક ઉપર બચ્ચાઓ સાથે આવેલી દીપડીએ અચાનક હુમલો કર્યો હતો.જોકે યુવકે બૂમાબૂમ કરતા દીપડી બચ્ચા સાથે નાશી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને અત્રેની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
ધરમપુરના જામલિયાગામના બોંડારપાડા ફળીયાના 45 વર્ષીય દેવરામ રાયજી પવાર પોતના પુત્ર રમેશ પવાર સાથે ગુરૂવારે સવારે નજીકના જંગલમાં ડુંગર પર ઢોર ચરાવવા ગયા હતા. આ સમયે બે બચ્ચા સાથે ધસી આવેલી દીપડીએ અચાનક દેવરામ ઉપર હુમલો કરી દીધો હતો.અચાનક દીપડીના હુમલાને લઈ નીચે પડી ગયેલા દેવરામે દીપડી સામે આશરે 10થી 15 મિનિટ જીવ બચાવવા પ્રતિકાર કરી સંઘર્ષ કર્યો હતો. જેમાં તેમણે મચાવેલી બુમાબુમને લઈ નજીકમાં ઢોર ચરાવતો પુત્ર રમેશભાઈ પવાર દોડી એવી દીપડીના હિંસક હુમલા સામે જીવસટોસટના સંઘર્ષ નિહાળી લાકડીને જોરથી જમીન પર પછાડી હોંકારો કર્યો હતો. જેને લઈ દીપડી બચ્ચાઓ સાથે નાશી છૂટી હતી. દીપડીના હુમલામાં હાથના ભાગે ઇજાગ્રસ્ત દેવરામભાઈને ઇમરજન્સી 108માં અત્રેની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પારડી પાર નદી કિનારે દીપડો દેખાયો બાદ હવે ધરમપુરમાં પણ દીપડી દેખાતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે.