મુલદ ચોકડીએ ખેરના લાકડા સાથે ગોધરાના 3 ઇસમો ઝડપાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે મુલદ ચોકડી નજીકથી ટેમ્પામાં મકાઇના ડુંડાની સાથે સંતાડીને લઇ જવાતાં 75 હજાર રૂપિયાના ખેરના લાકડા સાથે ગોધરાના 3 ઇસમોને ઝડપી પાડયાં છે. ખેરના લાકડા ભરેલા ટેમ્પાનું મારૂતિકારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહયું હતું. પોલીસની નાકાબંધી જોઇને કારમાં સવાર એક ઇસમ ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેમ્પો, કાર અને લાકડા મળી કુલ 3.37 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. નર્મદા જિલ્લાના જંગલોમાંથી ખેરના લાકડાની તસ્કરી કરી તેને કાથો બનાવતી ફેકટરીઓમાં વેચી મારવાનું કૌભાંડ ચાલતું આવે છે.

નર્મદા તથા આસપાસના જિલ્લાઓના જંગલોમાં ખેરના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ઉગતાં હોય છે. ખેરનું લાકડુ કાથો બનાવવા માટે વપરાશમાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા સહીતના વિસ્તારોમાં કાથાની ફેકટરીઓ આવેલી છે. જંગલોમાંથી ખેરના લાકડા ચોરી તેને ફેકટરી સંચાલકોને વેચી મારવાનો વેપલો ચાલતો આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ગઢવી તથા તેમની ટીમે મુલદ ટેકસ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક 407 ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. જેમાંથી મકાઈના ટુકડાની બોરીની આડમાં સંતાડેલો ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાના ડ્રાયવર અને કલીનરની અટકાયત કરવામાં આવી હતી.

...અનુસંધાન પાના નં.2

ટેમ્પાનું મારુતીકારમાં પાઇલોટીંગ કરવામાં આવતું હતું. પોલીસે કારમાં સવાર એક ઇસમ મળી કુલ 3 ઇસમોને ઝડપી પાડયાં છે જયારે એક ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલાં 3 ઇસમો ગોધરાના રહેવાસી છે. શહેર પોલીસે ગુનો નોંધી આ ખેરના લાકડાનો જથ્થો ક્યાંથી ભર્યો હતો અને ક્યાં લઇ જવાના હતાં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબીએ ખેરના લાકડા ભરેલા ટેમ્પા અને પાઇલોટીંગ કરી રહેલી કાર સહિત ગોધરાના 3 ઇસમોને ઝડપી પાડયાં છે. તસવીર-હર્ષદ મિસ્ત્રી

પોલીસે ઝડપી પાડેલા આરોપી
ઝુુબેર મહંમદ હનીફ બોકડા, રહે. મેદા પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા

ફહીમ બશીરખાન પઠાણ, રહે. ગેની પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા

ફઝલે કરીમ ઇબ્રાહીમ હુરી, રહે. ચેતનદાસ પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા

જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ
2,510 કીલો ખેરના લાકડા કિમંત રૂા. 75,000

407 ટેમ્પો કીમંત રૂપિયા 2,00,000

મારૂતી કાર કિમંત રુપિયા 50,000

ચાર મોબાઇલ ફોન કિમંત રૂપિયા 11,500

અંગજડતીમાંથી મળેલા રૂપિયા 1,060

અન્ય સમાચારો પણ છે...