ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતાં વાહનોની પરવાનગી મેળવવી આવશ્યક
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 દરમિયાન ચૂંટણીના ઉમેદવારો, રાજકીય પક્ષો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ થનાર છે. આ પ્રચાર સમયે મતદારોમાં મતદાન કરવા બાબતે ભય ન ફેલાય, તથા ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચાડે તેવી ગેરકાયદેસરની ચીજવસ્તુઓની હેરફેર ન થાય, સાથે નિયમિત ટ્રાફિકને કોઇ અવરોધનો સામનો ન કરવો પડે તે બાબતોને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર, પ્રચાર વાહનોના ઉપયોગ ઉપર કેટલાક નિયંત્રણો મુકવામા આવ્યા છે.
જે મુજબ કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રિય, ત્રણ ચક્રિય, ચાર ચક્રિય વાહનોનો ઉપયોગ કરી શકાશે, ડાંગ જિલ્લાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર એક સાથે ત્રણથી વધુ વાહનોના કાફલામાં સાથે જઇ શકાશે નહીં, અને આવો કાફલો જો કોઇ કિસ્સામાં ત્રણથી વધુ વાહનોનો હોય તો તેને ત્રણ વાહનોથી વધુ ન થાય તે રીતે ભાગ પાડી અલગ કરવાના રહેશે. આવા ભાગ પાડેલા બે કાફલા વચ્ચે પણ ઓછામાં ઓછુ 200 મીટરનું અંતર રાખવાનું રહેશે. અપવાદરૂપે જે રાજકીય નેતાઓને લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ-77(1) હેઠળ મુક્તિ મળેલી હોય તેઓને પ્રતિબંધ લાગુ પડશે નહીં. વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈંડાવાળા વાહનો, સ્કૂટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શક્તિથી ચાલતા અન્ય વાહનોનો સમાવેશ થશે.