Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસની દહેશત વચ્ચે ગણદેવી તાલુકા હેલ્થ ઓફિસ-પીએચસી કેન્દ્ર બંધ
ચીનના વુહાન પ્રાંતમાંથી શરૂ થયેલા મહારોગ જીવલેણ કોરોના વાયરસ ધીરે-ધીરે અન્ય દેશોમાં ફેલાઈ ભારતમાં પણ પ્રવેશી ચુક્યો છે ત્યારે બીજા શનિ-રવિવારની રજાને કારણે તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર તાળા લાગી જતા કેટલાક દર્દીઓ રઝળ્યા હતા.
છેલ્લા બે માસથી સમગ્ર વિશ્વમાં ઉત્પાત મચાવનાર મહાબીમારી કોરોના વાયરસ સામે વિશ્વભરના મોટાભાગના દેશો ઝઝૂમી રહ્યાં છે. ભારત સરકાર પણ હેલ્થ માટે ગાઈડલાઈન આપી ચુકી છે. આરોગ્ય વિભાગ કોરોના વાયરસનો ચેપ પ્રસરતો અટકાવવા, સારવાર અને લોકજાગૃતિ માટે અનેક આગોતરા પગલાં લઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં આ વાયરસ પ્રસરી ચૂક્યો છે. હજારો લોકો લોકો મોતને ભેટી રહ્યા છે. જેને કારણે સાવચેતી જરૂરી બની છે. જોકે ભારતમાં હાલ પરિસ્થિતિ વધુ બગડી નથી. સ્થાનિક પરિસ્થિતિ હાલ સામાન્ય છે અને આ મહામારીનો સામનો કરવા સરકાર સક્ષમ હોવાના દાવા કરી રહ્યા છે. આ સમયે આ બીમારી મોટો ભરડો લે તે અગાઉ તેને ડામવાના ઉપાયો જરૂરી બન્યા છે. સરકાર પાણી પહેલાં પાળ બાંધે એ જરૂરી છે. આવા સમયે સરકારના આરોગ્ય વિભાગની સતર્કતા વધુ જરૂરી છે, તેમ છતાં ગણદેવી તાલુકા હેલ્થ ઓફિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર બીજા શનિવાર-રવિવારે રજાનો માહોલ જોવાયો હતો અને ઓફિસો બંધ જોવાઈ હતી.
ઓફિસ ખુલ્લી રાખવા કોઈ સૂચના મળી નથી
હાલ ઉપલી કચેરીથી ઓફિસો ખુલ્લી રાખવા કોઈ સૂચના મળી નથી તેમજ તાલુકા હેલ્થ ઓફિસમાં એડમિનિસ્ટ્રેશનનું કામ થાય છે. વધુમાં આરોગ્ય ફિલ્ડ વર્કરો ફિલ્ડમાં કામ કરી જ રહ્યા છે. આ બાબતે અધિકારીઓ સાથે મિટિંગનો દોર ચાલુ જ છે. સૂચના પ્રમાણે જરૂરી કામગીરી કરવામાં આવી જ રહી છે. > એચ.ડી.ખત્રી, તાલુકા હેલ્થ ઓફિસર, ગણદેવી