વાપીમાં પ્રદૂષણના કારણે 6 વર્ષમાં પર્યા‌વરણને 66.70 કરોડનું નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.વાપી| દિલ્હી એનજીટીએ વાપી સીઇટીપીને રૂ.10 કરોડની ડીપોઝીટ જમા કરવા તથા ડિફોલ્ટરોને ડીપોઝીટ જમા કરાવવા આદેશ કર્યો હતો. આ માટે એનજીટીએ પાંચ સભ્યોની ટેકનિકલ કમિટીને નુકસાન અંગે કામગીરી સોંપી હતી. આ કમિટીએ શુક્રવારે એનજીટીમાં સુપ્રદ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013થી 2018 સુધીમાં પ્રદૂષિત ઉદ્યોગોના કારણે પર્યાવરણને 66.70 કરોડનું નુકસાન થયું છે. 244 પાનાના આ રિપોર્ટમાં વાપીના પાંચ વર્ષની પ્રદૂષણની સ્થિતિ, ટેકનિકલ ટીમના સ્થળ નિરીક્ષણમાં સામે આવેલી બાબતો,઼ ડિફોલ્ટરોના અભિપ્રાય સહિત માહિતી રજુ કરવામાં આવી છે. આ રિપોર્ટના કારણે ઉદ્યોગોને ફટકો પડયો છે. આ રિપોર્ટ બાદ એનજીટીમાં સોમવારે હાથ ધરાનાર સુનાવણીમાં શું નિર્ણય આવે છે તેના પર વાપીના ઉદ્યોગકારોની નજર છે.

2013થી 2018 સુધીમાં કેવી રીતે પર્યાવરણને નુકસાન થયું તે અંગે 244 પાનાનો રિપોર્ટ એનજીટીને સુપરત કરાયો, હવે સોમવારે વધુ સુનાવણી કરાશે
છેલ્લા એક દાયકાથી વાપી પ્રદૂષણના નામે સતત ચર્ચામાં રહે છે. પ્રદૂષણનો મામલો શાંત થવાની જગ્યાએ ઉગ્ર બની રહ્યો છે. દિલ્હીની એનજીટીએ વાપી સીઇટીપી અને ડિફોલ્ટરો (પ્રદૂષિત એકમો)ને ફટકાર લગાવ્યાંની સાથે પાંચ સભ્યોની ટેકનિકલ ટીમને પર્યાવરણના નુકસાન અંગેનો ચિતાર મેળ‌વવાની કામગીરી સોંપાઇ હતી. જેમાં આઇઆઇએમ, ભારતીય ઔદ્યોગિક સંસ્થાન ગાંધીનગર, નિરી, જીપીસીબી અને સીપીસીબી એમ પાંચ સભ્યોની ટીમે વાપીની મુલાકાત લઇ પાંચ વર્ષની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ ટીમે ઉદ્યોગોના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, ડિફોલ્ટરો સાથે પણ વન ટુ વન મુલાકાત કરી હતી. સીઇટીપી પ્લાન્ટની પણ મુલાકાત સાથે નામધા, ચંડોર, દમણગગા નદી, સહિતના સ્થળે જઇ નિરીક્ષણ કર્યું હતું. શુક્રવારે આ ટેકનિકલ ટીમે એનજીટીમાં પર્યાવરણના નુકસાન અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, 2013થી 2018 દરમિયાન સીઇટીપીના પરિણામો સારા આવતાં ન હતાં. આ પાંચ વર્ષ દરમિયાન પર્યાવરણને 66.70 કરોડનું નુકસાનનું આંકલન કરવામાં આવ્યું છે. 244 પાનાના રિપોર્ટમાં તમામ આંકડાકીય માહિતી સાથે 2013થી 2018માં વાપીના પ્રદૂષણની સ્થિતિ દર્શાવામાં આવી છે. આ રિપોર્ટ બાદ સોમવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. આ રિપોર્ટ મામલે એનજીટી શું હુકમ કરે છે તેના પર નજર છે.

વાપીના એક નાના ઉદ્યોગકારે જણાવ્યું હતું કે પ્રદૂષણ અંગે એનજીટીમાં અનેક કેસો થયા છે. સુપ્રિમકોર્ટ સુધી કેસો ચાલી રહ્યાં છે. આ કેસો વચ્ચે વીઆઇએમાં પણ બે જુથો આમને-સામને લડી રહ્યાં છે. પરંતુ હવે પ્રદૂષણના મામલે બંને પક્ષોએ એક થઇને પ્રશ્ન હલ કરવો જોઇએ. વીઆઇએના સિનિયર મેમ્બરો આ માટે આગળ આવે તે જરૂરી છે. કારણ કે બે જુથોના વિવાદના કારણે ગાંધીનગર અને દિલ્લીમાં પણ ખરાબ છાપ ઊભી થઇ રહી છે.

6 વર્ષમાં કેવી રીતે નિયમોનું પાલન ન કરી નદીને નુકસાન થયું તેના આંકડા
વર્ષ COD BOD TSS N કુલ નુકસાન

2013 5.08 0.26 0.07 10.31 15.72

2014 4.85 0.42 0.06 13.44 18.77

2015 2.72 0.00 0.00 0.51 3.23

2016 0.52 0.00 0.00 2.55 3.07

2017 0.52 0.01 0.00 13.23 13.76

2018 0.53 0.01 0.00 11.91 12.45

COD|કેમિકલ ઓક્સીજન ડિમાન્ડ, BOD બાયોલોઝિક્લ ઓક્સીઝન ડિમાન્ડ, TSS ટોટલ સોલિડ સસ્પેન્ડેન્ટ, N- એમોનિકલ નાઈટ્રોજન

5000 સીઓડી છોડવાની માગ કરી
જીઆઇડીસીની સ્ટોર્મ વોટર લાઇન અલગ-અલગ રાખવાની જરૂર હોવાનું સૂચન કર્યું છે. કમિટિના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે સ્થિતિમાં સુધારો થાય છે અને ફરી સ્થિતિ ખરાબ થાય છે. એટલે કે ફરી સ્થિતિ ખરાબ ન થાય તે માટે પગલા ભરાવવા જોઇએ. એનજીટી સમક્ષ સીઇટીપીએ ઉદ્યોગોને 5000 સીઓડી છોડવા અંગેની માગ કરી છએ. હાલ 1000 સીઓડીની લિમિટ છે. સીઇટીપી દ્વારા ડિફોલ્ટરોની ડીપોઝીટ અને સીઇટીપીની ડીપોઝીટ ઘટાડવા માગ કરી છે. એવી પણ દલીલ કરવામાં આવી છે. વાપી સીઇટીપી આઉટલેટ 250 છે. જેની જગ્યાએ 255 આવવાથી વધારે પ્રદુષણ કહી શકાય નહી.

નદીને આ રીતે નુકસાન
આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઉદ્યોગોએ પર્યાવરણના નિયમો કરતાં વધારે પ્રદુષણ છોડી નદીને નુકસાન કર્યું છે. સીઓડી,બીઓડી સહિતના પ્રમાણના આધારે નુકસાનનો આંકલન કરાયું છે. નદીને પુન:સ્થાપિત( હતી તે સ્થિતિમાં ) કરવા નુકસાનનો અંદાજ કાઢવામાં આવ્યો છે. નદીમાં પ્રદુષણના કારણે નજીકના ગામોમાં પીવાના પાણીની તકલીફ ઊભી થઇ રહી છે. નદીમાંથી શહેરીજનોને પીવાનું પાણી આપવામાં આવે છે.

સોમવારે સ્થિતિ સાફ થશે
ટેકનિકલ કમિટિના રિપોર્ટ જોયો છે, એમોનિયામાં ભુલ છે. આ રિપોર્ટમાં તમામ દોષ સીઇટીપી કાઢવામાં આવ્યો છે, પરંતુ રિપોર્ટના પ્રમાણોની પધ્ધતિ કઇ છે તે સમજયા બાદ આગળ વધવામાં આવશે. રિપોર્ટમાં નદી અંગે ઉલ્લેખ કરાયો છે. અહી ડોમેસ્ટીક પ્રદુષણ છે. જેથી સમગ્ર અભ્યાસ કર્યા બાદ નકકી કરાશે. સાથે સોમવારે એનજીટી રિપોર્ટના આધારે શું નિર્ણય આપે છે તે મુજબ આગળનું આયોજન કરાશે. ચેતન પટેલ, ડિરેક્ટર, વાપી ગ્રીન એન્વાયરો

અન્ય સમાચારો પણ છે...