Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોદાદા ગામે મરઘાને ઉંચકી જનારી દીપડી પાંજરે પુરાઈ
મહુવા તાલુકાના કોદાદા ગામે દિપડાએ પાલતુ મરઘાનો શિકાર કર્યા બાદ વનવિભાગ દ્વારા કોદાદા ગામે એ દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરૂ મુક્યુ હતુ. જે પાંજરામાં મુકેલ મારણ ખાવા જતા સોમવારે વહેલી સવારે એક કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી.
પ્રાપ્ત વિગત મહુવા તાલુકાના કોદાદા ગામે રહેણાક વિસ્તારમાં એક કદાવર દીપડો શિકારની શોધમા આવી પોન્હચ્યો હતો અને ભગુ ફળિયામાં રેહતા પશુપાલક દિનેશભાઈ પટેલના ઘરની પાછળથી ત્રણ દિવસ પહેલા પાલતુ મરઘાનો શિકાર કર્યો હતો. જે ઘટના બાદ પશુપાલક દિનેશભાઇ દ્વારા મહુવા વનવિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ કરી તેમના ઘર પાછળ પાંજરું મુકવાની રજુઆત કરી હતી. જે રજુઆત આધારે મહુવા વનવિભાગના અધિકારીઓ દ્વારા દિનેશભાઈ ગુલાબભાઈ પટેલના ઘરની પાછળ પાંજરું મૂકી તેમાં મારણ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી.
તા-13/1/2020ને સોમવારના રોજ વહેલી સવારે 4:00 વાગ્યાના અરસામાં કદાવર દીપડી ફરી કોદાદા ગામે આવી હતી અને પાંજરામાં મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાય ગઈ હતી. જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો, અને પાંજરે પુરાયેલ દીપડી જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને ત્યારબાદ ત્વરિત વનવિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે આવી વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લઈ આગળની કાર્યવાહી આદરી હતી.
ચિપ લગાવી જંગલમાં મુક્ત કરાશે
વનવિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ પાંજરે પુરાયેલ દીપડી અંદાજિત 3 વર્ષની છે.આ કદાવર દીપડીને વેહવલ નર્સરી પર લઈ જઈ તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ ચિપ લગાવી ઉપલા અધિકારીની સૂચના આધારે દુર જંગલમાં દીપડીને મુક્ત કરાશે.
કોદાદા ગામે પાંજરે પુરાયલ દીપડી.