Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગણદેવીના સોનવાડી, માણેકપોર અને ગડત ગામની DDOએ મુલાકાત લીધી
ગણદેવી તાલુકાના સોનવાડી, ગડત અને માણેકપોર ગામની શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકે મુલાકત લીધી હતી. જેમાં સોનવાડી ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોની ચોખ્ખાઈ અને પ્રિ-પ્રાયમરી શિક્ષણ બાબતે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક શાળામાં ધો. 7 અને 8ના બાળકોનું મૂલ્યાંકન કરી શિક્ષકોને વધુ સારા અભ્યાસ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના એસએમસીના સભ્યો વાલીઓને પોતાના બાળકો શાળા ઉપરાંત ઘરે પણ અભ્યાસ કરે અને બાળકો પ્રત્યે પુરતું ધ્યાન આપવા સમજ આપી હતી.
અંબિકા નદીના પૂરની પરિસ્થિતિની ગ્રામજનોની રજૂઆત થતાં નદી કિનારે મુલાકાત લીધી હતી. ગડત ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, હાઈ રીસ્ક મધરને જરૂરી મેડિસિન અને પ્રોટીનયુકત આહાર અંગે ટીએચઓ, મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. ગડત ખેડૂત સહકારી મંડળીની મુલાકાત બાદ માણેકપોર ગામે સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. ગૌચરણ, હળપતિવાસ અને મનરેગા યોજના હેઠળ બનેલી આંબાવાડીની સ્થળ મુલાકાત અને તમામ ગામોની ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. વિકાસના કામો જેવા કે 14મું નાણાંપંચ, ગટરનું કામ, સંસદ સભ્ય,એમએલ ફંડમાંથી થયેલ કામો, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના થકી બનેલા રસ્તાનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું.