Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઇના જમાઈનો બીલીમોરા સાસરે આપઘાત
મુંબઈના સાન્તાક્રુઝ જુહુ કોલોનીમાં રહેતા અનુભવ શ્યામસુંદર જયસ્વાલ (ઉ.વ. 31)ના લગ્ન બીલીમોરા ચાંપાનેરી ગલીમાં રહેતા સીમાબેન સાથે થયાં હતાં. અનુભવ જયસ્વાલ, પત્ની સીમા અને પુત્રી સાથે અમદાવાદ તેમની સાળીના ઘરે કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ 11મીએ બીલીમોરા સાસરે આવ્યા હતા. રાત્રિ રોકાણ દરમિયાન પરિવારના સૌ સાથે જમ્યા હતા, જે બાદ બધા સુવા માટે પોતપોતાના રૂમમાં જતા હતા. અનુભવ સાસરે ઘરના માળે એકલા સૂવા ગયા હતા. રાત્રિ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર તેમણે રૂમમાં પંખા સાથે સાડીનો ફાંસો બનાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
સવારે પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, તેમ છતાં તેમણે રૂમનો દરવાજો નહીં ખોલતા પરિવારના સભ્યોએ રૂમની બારીમાંથી જોતા ફાંસો ખાધેલી હાલતમાં તેમને જોયા હતાં. તેમના બીલીમોરા રહેતા સાળા આકાશ જયસ્વાલ વાપી નોકરી કરે છે તેમને બનાવની જાણ કરતા તેઓ તુરંત ઘરે આવ્યા હતા. બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે મૃતકના સાળા આકાશે બીલીમોરા પોલીસમાં જાણ કરતા વધુ તપાસ બીલીમોરા પોલીસના રાજેન્દ્રભાઈ લીલાભાઈ કરી રહ્યા છે.