તાપીમાં લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ આવરી લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં તાપી જિલ્લાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) હેઠળ આવરી લેવાશે. જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને નજીકની બેંક શાખાનો સંપર્ક કરવા કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા જણાવાયું છે.

જિલ્લાના તમામ બેંકોના પદાધિકારી-અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતની ઉપસ્થિતિમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામને કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ થાય તે માટે 23 ફેબ્રુઆરી 2020 સુધી ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં હાલમાં કુલ 72796 ખેડૂત લાભાર્થીઓ પૈકી 11697 એ પી.એમ. કિસાન યોજનાનો લાભ લીધેલ છે આથી બાકી રહેલ તમામ પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ આવનારા સમયમાં આ ખાસ ઝુંબેશ દરમ્યાન આપની નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા જરૂરી કાગળો સાથે અરજી કરવી. તેમજ જે ખેડૂત લાભાર્થીઓ હાલ કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે અને તેમની ક્રેડીટ લિમીટમાં વધારો કરવા અથવા પોતાના ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો જેવા કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ કરી ક્રેડીટ લિમીટમાં વધારો કરવા પણ આ ઝુંબેશ દરમિયાન બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ કરનારા તમામ લાભાર્થીઓને પણ કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યૂ કરાશે. આ માટે ખેડૂત લાભાર્થીઓએ અરજીપત્રક પી. એમ. કિસાનની વેબસાઈટ અથવા આઈ-ખેડૂતની વેબસાઈટ પરથી મેળવવાના રહેશે. કલેક્ટરે સબંધિત અધિકારીઓને બાકી લક્ષ્યાંક પુરો કરવા તાકીદ કરી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી હિતેષ જોષી, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ, બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યોજના માટે અરજીપત્રક પી. એમ. કિસાનની અથવા આઈ-ખેડૂતની વેબસાઈટ પરથી મળશે

અન્ય સમાચારો પણ છે...