દેવસર ગામના સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્તનો 17મી ફેબ્રુઆરીએ ફેંસલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાના  બીલીમોરા ગણદેવી માર્ગ પર આવેલ દેવસર ગામની ગત ડિસેમ્બર 2016માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ હતી. દેવસર ગામના 14 વોર્ડ ધરાવતા આ ગામમાં મહિલા સરપંચપદે રમીલાબેન ધનસુખભાઈ પટેલ વિજયી બનતા તેમણે સરપંચનો પદભાર સાંભળ્યો હતો. જે બાદ ગત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેમની સામે ઉપસરપંચ સહિત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. તેમની સામે કરવામાં અવિશ્વાસ દરખાસ્તમાં તારીખ અંગે અસમંજસ સાથે કોઈ ટેકનિકલ ભુલ સામે આવતા 23મી જાન્યુઆરી 2020એ નિયત નમૂનામાં ફરી અવિશ્વાસ દરખાસ્ત કરાઈ હતી. જેમાં 14 વોર્ડ સભ્યો પૈકી ઉપસરપંચ સહિત 10 સભ્યો સામેલ છે. જેમાં ઉપસરપંચ અને સભ્ય બિપીન આહીર, મનુ ભંડારી, ગુણવંતલાલ ગાંધી, ભાવિનકુમાર પટેલ, તેજલબેન પટેલ, વિજયાબેન આહીર, નૈલેષકુમાર નાયક, દિલીપકુમાર ગંગાણી, ચેતનાબેન પટેલ, જાગૃતિબેન પટેલએ સરપંચની કાર્યરીતી નીતિમાં અવિશ્વાસનો આક્ષેપ રજૂ કર્યો હતો.

જે દરખાસ્ત ગ્રામપંચાયત તલાટી અને ગણદેવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્ત બાદ સરપંચે દિન 15માં સામાન્ય સભા બોલાવવાની હોય છે પરંતુ સરપંચે સામાન્ય સભા ન બોલાવતા તલાટી કમ મંત્રી એ તે અંગેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યો હતો. જે બાદ ટીડીઓ પ્રવિણસિંહ જૈનાવતે તે અંગે નોંધ લઈ 17મી ફેબ્રુઆરીએ અવિશ્વાસની દરખાસ્તના એકમાત્ર એજન્ડા મામલે સભા બોલાવી છે. જે તાલુકાના અધિક મદદનીશ ઈજનેર વી.જી.ટેલર ની અધ્યાસી અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે. હવે આગામી 17મીએ દેવસર મહિલા સરપંચના ભાવિનો ફેંસલો થશે. અવિશ્વાસ અંગેની સભાની તારીખ જાહેર થતાં દેવસરના રાજકારણમાં ઉત્તેજના ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...