ઉમરપાડાનાં 63 ગામમાં 68000 લોકોને પીવાના પાણીના સાંસા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાનાં 68,000 જેટલા લોકોને ભર ઉનાળે પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. 26 કરોડના ખર્ચે જૂથ પાણી પૂરવઠા યોજનાની શુધ્ધ પાણી માટે લાઇન કરવામાં આવી છે. છતાં અધિકારીઓ પીવાના પાણી લોકો સુધી પહોચાડવામાં નિષ્ફળ રહ્યાં છે. તાલુકાનાં 63 ગામમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજના કારણે ગામોમાં પાણી પહોચી શક્યુ ન હોવાની ફરીયાદ ઊઠી છે.

સુરતનો ઉમરપાડા તાલુકો ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીમાં આવેલો છે. સમગ્ર આદિવાસી વિસ્તાર ધરાવતો આ તાલુકો અતિ પછાત તાલુકો ગણાય છે. તાલુકામાં કુલ 63 ગામો આવેલાં છે. જેની કુલ વસ્તી આશરે 68,000 જેટલી થાય છે. આ સમગ્ર વિસ્તારમાં સિંચાઇ અને પશુપાલન માટે ઉનાળામાં પાણીની કટોકટી ઊભી થઇ છે. વર્ષ 2009-10માં 9 કરોડના ખર્ચે અને ત્યાંરબાદ 17 કરોડના ખર્ચે કાકરાપાર જુથ પાણી પૂરવઠા યોજનામાં તાલુકાના ગામોમાં ગ્રામજનોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે લાઇન કરવામાં આવી હતી. ગામમાં સંપ બનાવ્યા હતા. જેમાંથી ગામમાં પાણી વિતરણ કરવાનું હોય છે. પરંતુ હાલ તાલુકાના ગામોમાં પીવાના પાણી કફોડી હાલત થઈ છે. તાલુકાનાં કરોડો રૂપિયાની યોજના છતાં પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

...અનુસંધાન પાના નં.2

લોકોના જણાવ્યા મુજબ પાણીની લાઇનમાં ઠેર ઠેર ભંગાણના કારણે પાણી સંપ સુધી પહોંચી શકતુ ન હોવાનું જાણવા મળેલ છે. જેથી કરી પીવાના પાણીની યોજના કરોડોના ખર્ચ પછી પણ અધિકારીઓની બેદરકારીના કારણે સુવિધા મળી શકી ન હોવાનો ગણગણાટ છે. ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં લોકોએ પીવાના પાણી માટે પણ વલખાં મારવાનો વારો આવ્યો છે. આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને સુવિધા છતાં પીવાનું પાણી ન મળતા વહીવટી તંત્ર પર ભારે રોષ તાલુકામાં જોવા મળી રહ્યો છે.

ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં લોકોની પાણી માટે દયનીય સ્થિતિ ઊભી થઈ છે.

પીવાના પાણીની યોજનામાં કરોડોનો ખર્ચ, પાણી ન મળતાં ભ્રષ્ટાચાર ખુલ્લો
ઉમરપાડા તાલુકામાં 63 ગામોમાં પાણીની વ્યાપક અછત માટે રાજ્ય સરકાર જવાબદાર છે. ભૂતકાળમાં ચવડા ગામે 17 કરોડના પીવાના પાણીની યોજનાનું ખાત મુહૂર્ત થયું હતું. યોજના પાછળ કરોડો રૂપિયાનું એંધાણ થવા છતાં લોકોને પાણી મળ્યું નથી યોજનામાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓના મેળાપીપણામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. પાણીની ચાલુ વર્ષે વ્યાપક તંગી સર્જાતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. ઉમરપાડા તાલુકામાં પાણી યોજના પાછળ અત્યાર સુધીમાં રાજ્ય સરકારે કેટલા કરોડનો ખર્ચ કાર્યો તેની માહિતી સરકારી તંત્રના અધિકારી પાસેથી અમે માંગીશું ત્યારબાદ જવાબદારો વિરુદ્ધ કારદેસરની લડત ચલાવીશું. જગતસિંહ વસાવા, નિવૃત્ત કલેક્ટર

બધાને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરો
તાલુકામાં મૃતપ્રાય અવસ્થામાં પડેલા હેન્ડ પંપોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી, દરેક ફળિયામાં પાણી મળી રહે એવું આયોજન કરવા માટે તેમજ આ સમારકામ ન થાય ત્યાં સુધી દરેક ગામમાં ટેન્કરથી પાણી આપવા માટે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તાલુકાના હોવા છતાં પીવાના પાણીની તકલીફ વેઠવી પડી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...