કામો પૂર્ણ નહિ‌ કરનારા કોન્ટ્રાકટરો સામે પગલાં ભરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાણીની સ્થિતિ, સફાઇ, આરોગ્ય, રસ્તા, પ્રી-મોનસુન તથા પડતર કામગીરી અંગે ચર્ચા કરાઇ

અંકલેશ્વર શહેરમાં પ્રજાલક્ષી વિકાસ કામોને સમય મર્યાદામાં પૂર્ણ નહિ‌ કરનારા કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવા માટે પાલિકા પ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા થનારા નવા વિકાસ કામો અને પડતર કામગીરી બાબતે આજે મળેલી સમીક્ષા બેઠકમાં વિગતવાર ચર્ચા કરીને સમય મર્યાદામાં કામો પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

ઔદ્યોગિક દ્રષ્ટિએ નામના મેળવાનારા અંકલેશ્વરમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સફાઇ સહિ‌તની માળખાકીય સુવિધાઓ બાબતે લોકોમાં ફરિયાદ ઉઠતી રહે છે. પ્રજાની ફરિયાદોના નિકાલ તથા નગરમાં વિકાસકામો બાબતે અધિકારીઓ તથા ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલન સાધવા આજે ગુરુવારે નગર પાલિકા કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ પુષ્પા મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. બેઠકમાં નગરમાં પીવાના પાણીની સ્થિતિ, પ્રી- મોન્સૂન કામગીરી, સફાઇ સહિ‌તના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

નગરમાં વિકાસના કામોને નિયત સમય મર્યાદામાં પૂર્ણ નહિ‌ કરનારા કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતાની સાથે જ પુષ્પાબેન મકવાણાએ જનહિ‌તના કાર્યો માટે કમર કસી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેઓએ વહીવટી પાખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલન સાધવાના કરેલા નવતર અભિગમને શાસકપ૭ના સદસ્યો અને વિપક્ષના સદ્સયોએ પણ આવકાર્યો છે. બીજી તરફ વહીવટી પાખના અધિકારીઓ પણ વિકાસલક્ષી કામોના મુદ્દે સજાગ બન્યા છે.

કોન્ટ્રાકટરોની નિષ્કાળજી મુદ્દે અધિકારીઓને તાકીદ

અંકલેશ્વરના વિકાસકામો તથા નવા પ્રોજેકટ બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી. કેટલાંક કોન્ટ્રાકટરોએ વિકાસકામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કર્યા નહિ‌ હોવાની બાબત ધ્યાને આવતાં વિકાસના કામો ઝડપથી થાય તેની તકેદારી રાખવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. - જનક શાહ, અધ્યક્ષ, કારોબારી સમિતિ

કયા મહત્વના પ્રોજેકટની બેઠકમાં ચર્ચા ?

- પીવાના પાણીની મહત્વની જરૂરિયાત પૂર્ણ કરવા બે નવા બોર બનાવવા
- ગામ તળાવ અને ઢેડિયા તળાવ ફરતે બ્યુટીફીકેશન
- મુખ્ય માર્ગો પર નડતરરૂપ વીજ થાંભલા હટાવી માર્ગોનું વિસ્તૃતિકરણ
- જવાહરબાગમાં વોકિંગ સ્ટ્રીટ તથા ચિલ્ડ્રન પાર્ક બનાવવા