યુવતીના અસ્થિઓનું ડીએનએ પરીક્ષણ કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ હત્યા કેસનો ભેદ ઉકેલવા કમર કસતી પોલીસ
પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકાએ હત્યા કરી નાખી હતી
નિલેશ વસાવાએ સ્થળ બતાવતાં પોલીસ નેન્સીની અસ્થિ ભેગી કરી
ભરૂચના યુવાને તેની પ્રેમિકાને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે આપઘાત કરી લેવાની ચકચારી ઘટનામાં પોલીસે પ્રેમીકાની હત્યા કરવામાં મદદરૂપ થનારમૃતકના મિત્રને ઝડપી પાડયો હતો. જેને પોલીસને હત્યાનું સ્થળ બતાવતા પોલીસને યુવતીની માત્ર અસ્થિઓ મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે મળી આવેલાં અવશેષો તે જ યુવતીના છે કે કેમ તેની વિગતો મેળવવા ડીએનએ રિપોર્ટ મેળવવાતજવીજ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર ભરૂચના વૈકુંઠ બંગ્લોઝ ખાતે રહેતાં રજનીકાંત પટેલના પુત્ર જયને ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર બંગ્લોઝ સોસાયટીમાં રહેતી નેન્સી ઉર્ફે હની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે સમયાંતરે જયને શંકા ગઇ હતી કે, નેન્સીને અન્ય કોઇ યુવાન સાથે સંબંધ છે જેને પગલે તેણે નેન્સીને સબક શિખવાડવાનું નક્કી કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાનું ષડયંત્ર રચ્યું હતું.
તેણે ઝઘડિયા તાલુકામાં આવેલાં ભોજપુર ગામના નિલેશ વસાવા નામના તેના મિત્ર સાથે મળીને નેન્સીને ઝઘડિયા તાલુકાના જ કડિયાડુંગર વિસ્તારમાં આવેલી વેરાન જગ્યામાં લઇ જઇ તેના ગળે ઇલેક્ટ્રીક વાયરથી ટૂંપો દઇ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ જયે ઉંઘની ૧પથી ૧૭ જેટલી ગોળીઓ ખાઇ જઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને અસર નહીં થતાં તેણે અંક્લેશ્વરના પિરામણ નાકા પાસે ટ્રેન સામે પડતું મુકી આંત્યંતિક પગલું ભર્યું હતું.
દરમિયાન પોલીસે નિલેશ વસાવાને ઝડપી પાડતાં સમગ્ર હત્યા પ્રકરણનો ભાંડો ફૂટયો હતો. નિલેશ વસાવાએ હત્યાના સ્થળની માહિ‌તી આપતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી ત્યાંથી નેન્સીની અસ્થિઓ તેમજ તેના ચંપલ, કપડાં સહિ‌તનો સામાન કબજે કર્યો હતો. જોકે તેની ખોપરી મળી આવી ન હતી. પોલીસે મળી આવેલો મૃતદેહ નેન્સીનો જ છે કે કેમ તેની ચોકસાઇ કરવા માટે તેનું ડીએનએ પરીક્ષણ કરાવવા તેના અસ્થિઓ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી ચે.