ભર ઉનાળે અંકલેશ્વરમાં જળસંકટનાં એંધાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરીજનોની ૧પ એમએલડી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ૨૦ બોર કાર્યાન્વિત કરાયાં
- કેનાલમાંથી ઝડપથી પાણી મળી રહે તે માટે નગર પાલિકા સત્તાધીશોએ કેનાલ વિભાગને કરેલી રજૂઆત

ઉકાઇ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણથી અંકલેશ્વર શહેરને પાણી પુરવઠો પુરો પાડતાં તળાવોમાં જળસ્તર નીચે ઉતરી જતાં અંકલેશ્વરમાં જળસંકટની સ્થિતિ સર્જા‍વાની શક્યતાઓ વર્તાઇ રહી છે. હાલમાં અંકલેશ્વર નગરને માત્ર બોરનું પાણી મળતું હોવાથી શહેરમાં પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વના સ્ત્રોત એવા તળાવમાં જળસ્તર ઉંચા આવે તે માટે કેનાલમાં પાણી છોડવા નગરપાલિકા સત્તાધીશોએ કેનાલ વિભાગને જાણ કરી છે.

ઉકાઇ જમણા કાંઠાની કેનાલમાં પડેલાં ભંગાણથી સિંચાઇનું પાણી નહિ‌ મળતાં હાંસોટ તાલુકાના છેવાડાના ગામડાના ખેડૂતો બુમરાણ મચાવી રહયાં છે. કેનાલથી પાણીની જરૂરિયાત પૂર્ણ થતી હોવાથી કેનાલમાં પડેલાં ભંગાણથી અંકલેશ્વર શહેરમાં પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. ભર ઉનાળે પાણી પુરતું નહિ‌ મળતું હોવાની ફરિયાદ શહેરીજનો કરી રહયાં છે.

કેનાલના પાણીને ગામ તળાવમાં સંગ્રહ કરીને અંકલેશ્વરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે પણ કેનાલમાંથી જ પાણી નહિ‌ મળતાં તળાવમાં જળસ્તર ઘટી ગયાં છે. શહેરમાં ઘેરાયેલાં જળસંકટને નિવારવા માટે નગરપાલિકાના બોરમાંથી પાણી આપવામાં આવી રહયું છે. હાલ અંકલેશ્વર શહેર પાણી માટે બોર પર નર્ભિર થઇ ગયું છે ત્યારે જળસંકટને હળવું બનાવવા માટે કેનાલમાંથી પાણી આપવા બાબતે નગરપાલિકા સત્તાધીશોએ કેનાલ વિભાગને જાણ કરી છે.

બે કલાક પાણી અપાય છે

નગરપાલિકાના બોરમાંથી શહેરમાં પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. શહેરમાં દોઢથી બે કલાક પાણી આપીએ છીએ. પાણીના મુખ્ય સ્ત્રોત એવા તળાવો ખાલી થઇ જતાં પાણી છોડવા બાબતે નહેર વિભાગને રજૂઆત કરી છે. - સી.જે.દવે, મુખ્ય અધિકારી, અંકલેશ્વર પાલિકા

વીજળીની વધી રહેલી ખપત

અંકલેશ્વર શહેરમાં દૈનિક ૧પ એમએલડીની પાણીની જરૂરિયાત છે. કેનાલનું પાણી બંધ થઇ જતાં બોરના પાણી શહેરીજનોને આપવામાં આવી રહયાં છે. ૨૦ બોરમાંથી સતત પાણી મેળવવામાં આવી રહયું હોવાથી વીજળીની ખપત વધી રહી છે જેની સીધી અસર નગરપાલિકાની તિજોરી ઉપર પડશે.