પાણીના ખુલ્લા સંપથી આરોગ્ય સામે ખતરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોખમ: ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં કચરો-ગંદકી અને જાનવરો પડવાની દહેશત છતાં પાલિકા સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી નહી
સંપના તૂટેલા સ્લેબને રિપેર કરવાની ફૂરસદ પણ પાલિકા સત્તાધીશો પાસે નહીં હોવાથી રહીશોમાં ભારે આક્રોશ
ભરૂચ નગરપાલિકાના અધિકારીઓની ગુનાઇત નિષ્કાળજીને શહેરના સોનેરી મહેલ વિસ્તારના રહિ‌શોએ ખુલ્લી પાડી છે. લોકોએ પીવાનું પાણી પુરૂ પાડતી સોનેરી મહેલ પાણીનો સંપ ઘણા સમયથી ખુલ્લો હોવાથી બાળકોના જીવનું જોખમ ઉપરાંત પાણીની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ચિ મુકાયું હોવાની ઉગ્ર રજૂઆત સ્થાનિક રહિ‌શોએ આજે નગર પાલિકા પ્રમુખ સમક્ષ કરી હતી.
શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં નગરપાલિકાનો પાણીનો સંપ આવેલો છે જેમાં અયોધ્યાનગરના ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી આવતાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સંપને ઢાંકવા માટે બનાવાયેલાં સ્લેબનો કેટલોક ભાગ દોઢ વર્ષ અગાઉ તૂટી ગયો હતો અને આજદિન સુધી પાલિકાના અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહિ‌ આવતાં સ્થાનિક રહિ‌શોના માથે ખતરો ઉભો થયો છે.
સંપ ખુલ્લો હોવાથી તેમાં માનવીઓ કે જાનવરોના પડી જવાનો ભય સેવાઇ રહ્યો છે. સોનેરી મહેલ સંપમાંથી સોનેરી મહેલ, પાંચબત્તી સહિ‌તના વિસ્તારોને પીવાના પાણીનો પુરવઠો આપવામાં આવે છે તેવા સંજોગોમાં પાણી પ્રદૂષિત બની જતાં રોગચાળો ફેલાવાની આશંકા પણ સેવાઇ રહી છે.
નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી નહિ‌ કરાતાં રોષે ભરાયેલા સ્થાનિકં રહિ‌શોએ આજે સોમવારે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલનો કચેરી ખાતે ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.
પ્રમુખે રહિ‌શોની ફરિયાદ સાંભળી ટાંકીના ખુલ્લા ભાગને બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં રહિ‌શોનો રોષ શાંત પડયો હતો.
બે દિવસમાં જ પતરા નાંખવા સૂચના આપી છે
સોનેરી મહેલ પાણીની ટાંકી ખુલ્લી રહેતી હોવાની ફરિયાદો મળતા આજે સ્થળ મુલાકાત લીધી હતી. ટાંકીની ઉપરનો એક તરફનો ભાગ ઘણા સમયથી તૂટેલો છે. લોકોને પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી ઘણા સમયથી ખુલ્લી હોવાની બાબત ગંભીર હોવાથી બે દિવસમાં જ ટાંકીને પતરાથી ઢાંકી દેવાની અધિકારીને સૂચના આપી છે.
દક્ષા પટેલ, પ્રમુખ, નગરપાલિકા, ભરૂચ
ટાંકીમાં કચરો અને ગંદકી ભળે છે
સંપ ખુલ્લો હોવાથી તેમાં ગંદકી અને કચરો ભળી રહ્યાં છે. આવું ગંદુ પાણી લોકોને મળતું હોવાથી રોગચાળો ફેલાવાની શકયતા છે.પાલિકામાં રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરાતી નથી.
સાજીદાબાનુ, રહેવાસી, સોનેરી મહેલ
નવો સંપ અને ટાંકી બનાવવાના છે
સોનેરી મહેલ પાણીની ટાંકી- સંપનો ઉપરનો ભાગ તુટી ગયો છે. અગાઉ પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યું હતું. હવે નવો સંપ અને ટાંકી બનાવવાની ટેન્ડર પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.
સતીષ ગોહિ‌લ, મિકેનિકલ એન્જિ , પાલિકા
અગાઉ ખુલ્લા ખાળકૂવાએ એકનો ભોગ લીધો હતો
શહેરના શકિતનાથ વિસ્તારમાં આવેલી ટાંકી નજીકના ખાળકૂવા ઉપર ઢાંકણ નહિ‌ હોવાથી રાત્રીના સમયે ત્યાંથી પસાર થતા એક શખ્સનું ખાળકૂવામાં પડી જતા મૃત્યુ થયું હતું. નિર્દો‍ષ વ્યકિતનો ભોગ લેવાયા બાદ ખાળકૂવા ઉપર પતરા મુકવાની હંગામી વ્યવસ્થા પાલિકાએ કરી હતી.