ભરૂચમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( શાકભાજી )

ભરૂચમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો
શિયાળો મોડો શરૂ થતાબજારમાં શાકભાજીની આવક સામે માંગ વધી જતાં સર્જાયેલી સ્થિતિ
તુવેરસિંગ અને વટાણાની કિંમતોમાં ગત વર્ષની સરખામણીએ 20થી 30 ટકાનો વધારો નોંધાયો

ભરૂચ: ચોમાસા બાદ હવે શિયાળાની મોડી શરૂઆતને કારણે શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શિયાળાની આગવી ઓળખ ગણાતી તુવેરસિંગ અને વટાણાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તુવેરસિંગ અને વટાણા, લીલું લસણ, રતાળા, સરગવાની સિંગની કિમંતો પણ ઉછાળો નોંધાયો છે.દીવાળીના તહેવારો પૂર્ણ થઇ ગયાં હોવા છતાં હજી ઠંડી તેનું જોર બતાવી રહી નથી. સવારથી જ સુર્યનારાયણ અગનગોળા વરસાવવાનું શરૂ કરી દેતાં હોવાથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાની મોડી શરૂઆતની અસર શિયાળું શાકભાજીની કિંમતો પણ જોવા મળી રહી છે. શિયાળાની શાન ગણાતી લીલી તુવેર તેમજ વટાણાના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહયો છે.

રતાળા, સરગવો, લીલું લસણ, ધાણાની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શિયાળુ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને તેની સામે માંગ વધી જતાં શાકભાજીની કિમંતો વધી હોવાનું જાણવા મળી રહયું છે. ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગત વર્ષે તુવેરસિંગના 20 કીલોના જથ્થાબંધ ભાવ 500 થી 1000 હતો જે આ વર્ષે વધીને 1200 થી 1300 સુધી પહોંચી ગયો છે. વટાણાનો 20 કીલોનો ગત વર્ષનો ભાવ 1000થી 1200 હતો જે આ વર્ષે 1600થી 1800 નોંધાયો છે. ગત વર્ષે 300થી 400માં 20 કીલો મળતી સરગવાની સિંગ અત્યારે 800થી 1000 વેચાઇ રહી છે. લીલા લસણનો 20 કિલોનો જથ્થાબંધ ભાવ ગત વર્ષે 400થી 500 હતો જે વધીને 1200થી 1400ને આંબી ગયો છે.
વાતાવરણને કારણે શાકભાજીના ભાવો વધ્યાં
ચોમાસાની મોડી શરૂઆત થતાં ખેતીની સીઝન એક મહિનો મોડી ચાલી રહી છે. નવરાત્રી બાદ ઠંડીની શરૂઆત થવી જોઇએ જે હજી સુધી થઇ નથી અને ગરમી પડી રહી છે. બજારમાં શિયાળું શાકભાજીની માંગ વધી છે પણ તેની સામે આવક નથી પરિણામે કિમંતોમાં વધારો થયો છે. વાતાવરણની અનિયમિતતાને કારણે બજારમાં શાકભાજીના ભાવો ઉંચા ચાલી રહયાં છે. >દીપક પટેલ, સેક્રેટરી, એપીએમસી, ભરૂચ
1 મહિના સુધી વધારો રહેશે
ભરૂચમાં શાકભાજીનું વાવેતર ઓછું હોવાથી માંગને પહોંચી વળવા ફરજિયાત આયાત કરવી પડે છે. એક મહિના બાદ શાકભાજીની નિયમિત આવક બાદ ભાવોમાં ઘટાડો થશે.>મગન પટેલ, ડિરેકટર,એપીએમસી, અંકલેશ્વર
શાકભાજીની આયાત કરાય છે
ભરૂચ જિલ્લામાં શાકભાજીનું વાવેતર ઓછું કરવામાં આવે છે. ભરૂચવાસીઓની શાકભાજીની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ મહારાષ્ટ્રના નાસિક તેમજ અન્ય શહેરોમાંથી શાકભાજીની આયાત કરતાં હોય છે.
તુલ મારવાનો સમય ન મળ્યો
ભરૂચમાં શાકભાજીનું વાવેતર કરતાં ખેડૂતોને ચોમાસા દરમિયાન સતત વરસાદને કારણે તુલ મારવાનો સમય મળ્યો ન હતો. સતત વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોને તુલ મારવાનો સમય ન મળતાં ઉત્પાદન પર અસર પડી છે.
છુટક બજારમાં કિંમતો ( પ્રતિ કિલો)
નામ 2013 2014
તુવેરસિંગ 50થી 60 80થી 100
વટાણા 40થી 50 80થી 100
સરગવો 20થી 30 50થી 60