• Gujarati News
  • Underground Check Dams Will Be Created In Amravati River

અમરાવતી નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યોજનાઃ ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર બનાનારા ચેકડેમનો ભરૂચ -અંકલેશ્વરના ૧૭ ગામોના પ૦ હજાર લોકોને લાભ મળશે
- પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા આયોજન
- નદી અને આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા પ્રયાસો


ભરૂચ અને અંકલેશ્વરના ૧૭ ગામોમાં પીવાના પાણીની ખરાબ થઇ ગયેલી ગુણવત્તાને ધ્યાનમાં લઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે મહત્વકાંક્ષી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા અને પાણીની ગુણવત્તા સુધારવા અમરાવતી નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનાવવા પ્રાથમિક સર્વે અને ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફિઝિબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવશે તો ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર અંકલેશ્વરસ્થિત અમરાવતી નદીના પટમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનશે. જેનો ભરૂચ અને અંકલેશ્વરના ૧૭ ગામોના અંદાજે પ૦ હજાર ગ્રામજનોને લાભ મળશે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દઢાલ ગામ પાસે વર્ષો અગાઉ તૂટી ગયેલા ચેકડેમ પછી ત્યાં ફરી ચેકડેમ બનાવાયો નથી અને બીજી તરફ અંકલેશ્વરમાં જીઆઇડીસી અસ્તિત્વમાં આવતા ઔદ્યોગિકરણને કારણે ભૂગર્ભ જળના સ્તર નીચે જવા ઉપરાંત પાણીની ગુણવત્તા પણ બગડી ગઇ છે. દઢાલ, સારંગપુર, ગડખોલ સહિ‌ત ૧૭ ગામડાઓમાં પાણીના બોર સહિ‌તની સ્વતંત્ર યોજના હોવા છતાં લગભગ તમામ ગામોના બોરમાં આવતા પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી પાણીની હાર્ડનેસ વધતા લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું હતું.

ગામ લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય દુષ્યંત પટેલે જિલ્લા કલેકટર તેમજ પાણી-પુરવઠા અધિકારીઓ સાથે પાણીની વિકટ સમસ્યા બાબતે ચર્ચા કરી હતી. વિગતવાર ચર્ચાની ફળશ્રુ અનુસાર અમરાવતી નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનાવવાથી અમરાવતી નદીમાં ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે અને તેને કારણે પાણીની ગુણવત્તા પણ સુધરી શકે.

અમરાવતી નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમ બનાવવાની શકયતા ચકાસવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા ભૂસ્તરશાસ્ત્રીની મદદ લેવાશે, તેમ પાણી પુરવઠા વિભાગના સ્થાનિક સત્તાધિશોએ જણાવ્યું હતું. દઢાલ ખાતે પાણીની ટાંકી બનાવી ૧૭ ગામોમાં પાઇપલાઇન મારફતે પાણી પુરૂ પડાશે તેનો અંદાજિત ખર્ચ ૧૦થી ૧પ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હોવાનું પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

- પીવાના પાણીની સમસ્યા નિવારવા સરકારમાં પણ રજુઆત કરી છે

ભરૂચ-અંકલેશ્વરના ૧૭ ગામોમાં ક્ષારયુકત પીવાના પાણીની સમસ્યા અંગે લોકોની રજૂઆતો આવ્યા બાદ કલેકટર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પાણીની વિકટ સમસ્યાના નિવારવા નવી યોજના માટે રાજય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે.
- દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ

- નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમથી લોકોને ચોક્કસ પણે ફાયદો

અંકલેશ્વર નજીક વહેતી અમરાવતી નદીમાં અંડરગ્રાઉન્ડ ચેકડેમથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવવાથી બને નગરના પ૦ હજારથી વધુ લોકોને ચોક્કસ પણે ફાયદો થશે. નદીમાં ૨પથી ૩૦ ફુટ ઉંડે ચેકડેમ બનાવવામાં આવશે. જેનાથી ભૂગર્ભ જળને રોકી રાખવાથી આસપાસના વિસ્તારમાં જળ સ્તર ઉંચા આવશે. પંચમહાલ જિલ્લામાં અંડરગ્રાઉન્ડ ચેકડેમોનો પ્રયોગ સફળ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ તેને સફળતા મળવાની શકયતા છે.
- એસ. એસ. દુબે, ડેપ્યુટી એન્જિનિયર,પાણી પુરવઠા વિભાગ

- ફિઝિબિલિટી રિપોર્ટ અને ડીટેઇલ સર્વે હાથ ધરાઇ રહ્યો છે

જિલ્લામાં બનાનારા અંડરગ્રાઉન્ડ ચેકડેમ અને દઢાલ-સામોર નવી પાણી જૂથ યોજના માટે ડીટેઇલ સર્વે અને ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. એકાદ મહિ‌નામાં રિપોર્ટ તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી ઝડપભેર હાથ ધરવામાં આવશે.
- જી.એમ. પટેલ, મુખ્ય ઇજનેર, ભરૂચ

- ભરૂચ- અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ગામો

ભરૂચ-અંકલેશ્વર તાલુકાના દઢાલ, સારંગપુરા, ગડખોલ, માંડવા, જીતાલી, છાપરા, અંદાડા, સામોર, કાંસિયા, અવાદર, પીપરોડ, કરાડવેલ સહિ‌ત અન્ય ગામોમાં નવી યોજનાથી ફાયદો થશે. ક્ષારયુકત પાણીને બદલે સારી ગુણવત્તા ધરાવતું પીવાનું પાણી મળશે.

- કાંઠા વિસ્તારમાં ખારપાટની વધતી જતી સમસ્યા

અરબી સમુદ્રના પાણી ભાડભૂતથી શુકલર્તીથ સુધી નર્મદા નદીમાં ભળી જતા પાણીમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. જેના પરિણામે કાંઠા વિસ્તારોમાં દિન પ્રતિદિન ખારપાટની સમસ્યા વકરી રહી છે.