પોલીસે નહીં, લોકોએ રાત્રી પહેરો ભરી ચોર પકડ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મકતમપુરમાં એક પખવાડિયાથી તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો આખરે ભેદ ખુલ્યો
- સતત ૨૦ દિવસથી રાત્રી પહેરો ભરતા સ્થાનિક રહિ‌શોને આખરે સફળતા મળી
ભરૂચના મક્તમપુર ગામમાં છેલ્લાં પખવાડિયાથી તરખાટ મચાવનાર તસ્કર ટોળકીના એક સાગરિતને સ્થાનિક યુવાનોએ ચોરી કરીને જતી વેળા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તસ્કર ટોળકીના સુરતના સાગરિતને ચોરી કરેલા પ હજાર રૂપિયા સાથે સ્થાનિક યુવાનોએ પોલીસને સોંપી દેતાં પોલીસે તેની ધરપકડ કરી અન્ય સાગરિતોની તપાસ હાથ ધરી છે.
મકતમપુર વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીના કિસ્સા વધી જતાં રાત્રીના સમયે વિસ્તારના રહિ‌શો દ્વારા રાત્રી પહેરો ભરીને સ્વબચાવ કરવાનો વારો આવ્યો હતો. ગત મંગળવારે રાત્રે તસ્કરો તેમજ સ્થાનિકો સામસામે આવી ગયાં હતાં. જોકે તસ્કરોએ કૃષિ યુનિવર્સિ‌ટીના ખેતરમાં કુદી જઇ અંધારામાં ફરાર થઇ ગયાં હતાં.
મક્તમપુર વિસ્તારમાં આવેલા મખદુમપાર્ક, ભક્તિનગર, નાના માછીવાડ, મોટા માછીવાડ, નારાયણ નગર, ચીમન ટેકરી, સૈયદવાડ, નિશાળ ફળિયું, ગરીબનવાઝ, રસુલાબાદ, ન્યુ રસુલાબાદ, ગુલશન મખદૂમ નગર, રાહત-એ-રસૂલ એસ્ટેટ, ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના રહિ‌શો છેલ્લાં ૨૦ દિવસથી તસ્કરોના કહેરથી ત્રસ્ત થઇ ગયાં હતાં. પખવાડિયાથી તસ્કરો રોજ રાત્રે ચોરીને અંજામ આપતાં હોઇ સ્થાનિક રહિ‌શોમાં ભારે ફફડાટ જાગ્યો છે.
તસ્કરોને ઝડપી પાડવા માટે સ્થાનિક યુવાનો ઠુઠવાતી ઠંડીમાં પણ તેમના વિસ્તારમાં સામૂહિ‌ક રાત્રી રોન ભરતાં હતાં જેમાં ગઇકાલે રાત્રે યુવાનોને સફળતા મળી હતી. શનિવારે રાત્રીના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલી પ્રસાદ સોસાયટીમાં રહેતા ચિરાગ સુરેશ વસાવાના બંધ મકાનમાં તસ્કર ટોળકીએ હાથ ફેરો કરી મકતમપુર ગામમાં વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી.
દરમિયાન ગામમાં રાત્રી પહેરો ભરી રહેલા આફતાબ કાદરી નામના યુવાને એક ચોરને જોઇ જતાં તેનો પીછો કર્યો હતો. તેના અન્ય સાથીઓ આદિલ મશહદ્દી, સોયેબ પીરઝાદા તેમજ ઇમરાન મશહદ્દી પણ આફતાબ સાથે દોડીને તેમણે જીવના જોખમે એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ રવિ નાથુ સાખે (રહે મીઠી ખાડી, ડિંડોલી સર્કલ, સુરત) હોવાનું માલુમ પડયું હતું. ગ્રામજનોએ એકત્ર થઇ જતાં તેમણે પોલીસને બોલાવી ઝડપાયેલા ચોરને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- યુવાનોની હિંમતને પ્રોત્સાહન જરૂરી છે
છેલ્લાં કેટલાં સમયથી મકતમપુર વિસ્તારમાં તસ્કરો દ્વારા ઉપરાછાપરી ચોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. જેને પગલે સ્થાનિક યુવાનોએ તસ્કરોને ઝડપી પાડવા રાત્રી પહેરો ભરવાનો શરૂ કર્યો હતો. દરમિયાન રવિવારે મળસ્કે યુવાનોએ હિંમત દાખવી એક તસ્કરને ઝડપી પાડ્યો છે. જેને કારણે તેમની હિંમતને દાદ આપવા પોલીસે તેમને સન્માનિત કર્યા છે.
- આઇ.જે. વસાવા, પીઆઇ સી ડિવિઝન