ભરૂચમાં પિચકારી ગેંગનો આતંક, ચોરી કરી પિચકારી મારવાની આદત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મકાનોમાં ચોરી કર્યા બાદ ઓરડા- પડદા પર પાન-મસાલાની પિચકારી મારવાની આદત
- મકતમપુર રોડ પરની સોસાયટીમાંથી ૪૭ હજારની ચોરી
- નંદેલાવ રોડ પર સોસાયટીના બે બંધ મકાનોમાં પણ ચોરી કરી


ભરૂચ શહેરમાં મકાનોમાં ચોરી કરી પાન-મસાલાની પીચકારીઓ મારી ફરાર થઇ જતી પીચકારી ગેંગે મકતમપુર રોડ પર આવેલી મંગલદર્શન દર્શન સોસાયટીમાં રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી ૪૭ હજારની ઉઠાંતરી કરી હતી. દિવાળી વેકેશનમાં શહેર તથા જિલ્લામાંથી મોટાભાગના પરિવારો બહારગામ ગયાં છે ત્યારે તેમના બંધ મકાનોને નિશાન બનાવતી પીચકારી ગેંગના આંતંકથી લોકોમાં ભય વ્યાપી ગયો છે. બે દિવસ અગાઉ ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલી આશ્રય સોસાયટીના બે બંધ મકાનોમાં ચોરી થઇ હતી. ચોરીના બનાવો બન્યાં હતાં તે મકાનોના ઓરડાઓ તથા પડદાઓ પર પાન-મસાલાની પીચકારીના નિશાન મળી આવ્યાં હતાં.

રવિવારની રાતે શહેરના મકતમપુર રોડ પર આવેલી મંગલદર્શન સોસાયટીમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. મંગલદર્શન સોસાયટીના મકાન નંબર એ-રમાં રહેતાં ચંદુભાઇ રોહિ‌ત વડોદરા ખાતે સામાજિક કામ માટે ગયાં હતાં. દરમિયાન રવિવારે રાતે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેમના મકાન ખાતે ગયેલાં તેમના મિત્રએ મકાનના દરવાજા ખુલ્લા જોતાં ચોરી થયાની જાણ થતા મકાન માલિકને તથા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- સાંજ સુધી ડોગ સ્કવોડ ન ફરકયો

મંગલદર્શન સોસાયટીમાં ચોરીના બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોનું પગેરૂ શોધવા માટે ડોગ સ્કવોડની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજ સુધી ડોગ સ્કવોડ નહિ‌ ફરકતાં મકાનનો સામાન આખો દિવસ વેરણ છેરણ રહેતાં પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં.