પુત્રને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપનાર સામે કાર્યવાહી કરવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપનાર સામે કાર્યવાહી કરવા માંગ
ઝઘડિયા પોલીસ હજુ પણ અન્ય આરોપીઓને પકડી શકી નથી
ઇન્દોરના યુવાનને દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી અપાઇ હતી
ભરૂચ: ઝઘડિયા તાલુકામાં આવેલાં ઇન્દોર ગામે રહેતાં એક યુવાને તેના મિત્રની પ્રેમિકાને ભગાડી જવામાં મદદ કરી હોઇ તે અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેને પગલે ગભરાયેલાં યુવાને આંત્યેતિક પગલું ભરી મોતને વહાલુ કરી લીધું હતું. બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા છતાં કોઇ ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતાં મૃતકના પિતાએ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે.

મળતી વિગતો અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં ઇંદોર ગામમાં રહેતાં મગન કાનજી રોહિતના પુત્ર અનિલે તેના મિત્ર અમિત નગીન પટેલ, કાલુ ઇમામ નકુમ તેમજ ઇમ્તિયાઝ ઉર્ફે ઇન્તુ સાહેબખાન કુરેશીને અેક યુવતિને ભગાડી જવામાં મદદગીરી કરી હતી. જોકે બાદમાં તેમણે તેને ઘરે પરત લઇ આવ્યાં હતાં.સમગ્ર મામલામાં અમિત, કાલુ તેમજ ઇમ્તિયાઝે અનિલને ધાકધમકીઓ આપી યુવતીને ભગાડી જવામાં મદદગીરી કરી હોવા અંગે કોઇને જાણ કરીશ તો તને દુષ્કર્મ કરવાના ગુનામાં ફસાવી દઇશું તેમ કહી વારંવાર હેરાન કરતાં હોઇ તેણે આવેશમાં આવી ઝેરી દવા પી જઇ આંત્યેતિક પગલું ભર્યું હતું.

જેને પગલે તેનું ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજતાં તેના પિતા મગન રોહિતે ઉમલ્લા પોલીસ મથકે જૂન મહિનામાં ફરિયાદ નોંધાવી હતી.જોકે પોલીસે આરોપીઓને નહીં પકડતાં 21મી જુલાઇના રોજ મગન રોહિતે જ આરોપીઓ પૈકી કાળુ ઇમામ નકુમને શોધી પોલીસને જાણ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદથી હાલ સુધીમાં પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કોઇ કવાયત નહીં હાથ ધરતાં સમગ્રપ્રકરણમાં પોલીસની નિષ્કાળજી અને બેજવાબદારી હોવાની રાવ સાથે તેમણે જિલ્લા સમાહર્તાને આવેદન આપી ન્યાયની માંગણી કરી છે.