હલદરવામાં જેટકો વીજ કંપનીના સબસ્ટેશનમાં વાયરોમાં આગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા, વીડિયોકોન તેમજ જીએનએફસીના ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

ભરૂચ તાલુકાના હલદરવા ગામે આવેલાં જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનના કંપાઉન્ડમાં મુકેલા વાયરોમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ભરૂચ નગર પાલિકા, વિડિયોકોન તેમજ જીએનએફસી કંપનીના લાઇબંબા સાથે લાશ્કરોએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બાજુમાં આવેલાં શેરડીના ખેતરમાં આગ લગાડતાં તેના તણખલા ઉડતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડયું હતું. વીજ કંપનીના અધિકારીઓએ નુકશાનનો આંકડો મેળવવાની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં હલદરવા ગામે આવેલા જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનના કંપાઉન્ડ વોલની બાજુમાંથી શરૂ થતાં શેરડીના ખેતરમાં આજે શુક્રવારે સવારના સમયે આગ લગાડવામાં આવી હતી. દરમિયાન જેટકો વીજ કંપનીના સબ સ્ટેશનના કંપાઉન્ડમાં મુકવામાં આવેલાં એલ્યુમિનિયમ કેબલ સહિ‌તના કેબલોના ડ્રમમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળરૂપ ધારણ કરતાં ધુમાડા આકાશમાં ઉંચે સુધી ઉડતાં આસપાસના ગામોમાં ભારે કુતુહલ જાગ્યું હતું. ઘટનાને પગલે વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકા તેમજ જીએનએફસી તથા વિડિયોકોન કંપનીના લાશ્કરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં.

ત્રણેક કલાક સુધી લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શેરડીના ખેતરમાં લગાડવામાં આવેલી આગના કારણે તેના તણખલા ઉડતાં તેના કારણે આગ લાગી હોવાનું અનુમાન લાશ્કરો તેમજ વીજ કંપનીના અધિકારીઓએ લગાવ્યું હતું. જેટકો કંપનીના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી આગ લાગવાને કારણે કંપનીને કેટલાં પ્રમાણમાં નુકશાન થયું તેનો આંકડો મેળવવાની કવાયત હાથ ધરી છે.

પ૦થી વધુ કેબલના ડ્રમ બળી ગયાં
સબ સ્ટેશનના બાજુમાં શેરડીના ખેતરમાં આગ લગાવાઇ હોઇ તેના તણખલા ઉડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. આગમાં કંપાઉન્ડમાં મુકેલાં હેવીલાઇનના કેબલોના પ૦ થી વધુ ડ્રમ સળગી ગયાં હતાં.
અરવિંદ મૈલે, લાશ્કર, ભરૂચ નગર પાલિકા.

તપાસ કમિટિ નિમવામાં આવશે
આગના કારણે વીજ કંપનીના વાયરોના ડ્રમ બળી જતાં ભારે નુકશાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તેમજ નુકશાનીનો અંદાજ મેળવવા માટે એક ખાસ કમિટિની રચના કરવામાં આવશે. જેના રિપોર્ટ બાદ આગળની કવાયત હાથ ધરવામાં આવશે. - એસ. વી. ટેલર, મુખ્ય ઇજનેર.