તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી ટાંણે ઝૂંપડાવાસીઓને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભરૂચ સિટી સર્વે કચેરીની કાર્યવાહીથી તહેવારો ટાણે છત જતી રહેવાની દહેશત
- દાડિયાબજાર, લીમડી ચોક, નન્નુમિંયા, મલબારી ટેકરો તથા ગોકુલનગર સહિ‌તના વિસ્તારના રહીશો ચિંતાગ્રસ્ત
ભરૂચ શહેરમાં આવેલી વિવિધ ઝૂપડપટ્ટીમાં રહેતાં લોકોને સામી દિવાળીએ સિટી સર્વે કચેરીમાંથી દબાણ અંગેની ટુંકી નોટીસ ફરકારી આજે શુક્રવારે કચેરીએ બોલાવતાં ભારે હોબાળો મચ્યો હતો. અધિકારીઓ તેમજ સ્થાનિકો વચ્ચે સર્જા‍યેલાં વાકયુદ્ધથી વાતાવરણ તંગ બન્યું હતું. જોકે અધિકારીઓએ આગામી ૧૧મી તારીખે બીજી સુનાવણી તારીખ આપતાં મામલો થોડો શાંત થયો હતો.
ભરૂચ શહેરના દાંડિયાબજાર, લીમડીચોક, નન્નુમિયા, મલબારી ટેકરો તેમજ ગોકુલ નગર સહિ‌તના વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં સેંકડો - હજારો લોકોની દિવાળીના તહેવારની ખુશી છેલ્લાં બે દિવસથી દુ:ખ અને ચિંતામાં ફેરવાઇ ગઇ છે. લોકોને પોતાના માથેથી છત ગુમાવવાની દહેશત સતાવી રહી છે. ભરૂચ સિટી સર્વેની કચેરી દ્વારા બે દિવસ અગાઉ જ શહેરની વિવિધ ઝૂપડપટ્ટીમાં રહેતાં લોકોને ટુંકાગાળાની નોટીસ ફટકારી બે જ દિવસમાં સિટી સર્વે કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું.
ઝપડપટ્ટીમાં રહેતાં લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોઇ તેમને ત્યાંથી હટી જવા માટે જણાવવામાં આવતાં સ્થાનિકોમાં પોતાના માથેથી છત ગુમાવવાની દહેશત પ્રસરી ગઇ છે. હેમંત કોઠીવાલા, સલીમ અમદાવાદી, ઝૂબેર પટેલ તેમજ લાલા ચણાવાલા સહિ‌તના વિસ્તારના આગેવાનો તેમજ ર્કોપોરેટરો પાસે લોકોએ તેમને મળેલી નોટીસ અંગે જણાવતાં શુક્રવારે તેઓ સ્થાનિક રહિ‌શો સાથે સિટી સર્વેની કચેરીએ પહોંચ્યાં હતાં. તેમણે નોટિસ અંગે અધિકારીઓને પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ઝૂપડા ગેરકાયદેસર રીતે ખડાં કરવામાં આવ્યાં છે.
જેને ઉપરી કક્ષાએથી આવેલાં પરિપત્રના હૂકમ અનુસાર દબાણો - ઝૂપડાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિવાળી અગાઉ જ અધિકારીઓની અમાનવીયતાને પગલે ઉશ્કેરાયેલાં સ્થાનિકો તેમજ આગેવાનોએ તેમને જણાવ્યું હતું કે, દિવાળી તહેવાર શરૂ થઇ ગયો છે ત્યારે અધિકારીઓએ દિવાળીના ટાંકણે જ નોટિસ આપીને લોકોને હેરાન કર્યા છે. સ્થાનિકો તેમજ આગેવાનોની રજૂઆતોને ધ્યાનમાં રાખી આગામી ૧૧મી તારીખે બીજી સુણાવણીની તારીખ આપવામાં આવી હતી.
કાયદા પ્રમાણે કામગીરી કરાશે
શહેરની ઝૂપડપટ્ટીના કુલ ૨૩૯ ઝૂપડાવાસીઓને તંત્ર દ્વારા દબાણ દુર કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે. જે પૈકી કેટલાંક આજે કચેરીએ આવીને તેમના જવાબો આપી ગયાં છે. તેમની રજૂઆતો અને બાકી રહી ગયેલાં અન્યને સાંભળવા માટે આગામી ૧૧મી નવેમ્બરની તારીખ આપવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી કાયદા પ્રમાણે કરવામાં આવશે.
એન. આર. પ્રજાપતિ, મામલતદાર, ભરૂચ.