મોહરમ પર્વને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ- અંકલેશ્વરમાં ૧પમીએ નીકળનારા તાજિયા જુલુસ સંદર્ભમાં પોલીસ-અગ્રણીઓ વચ્ચે બેઠક
- ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં શાંતિ સમિતિની બેઠક મળી
- તાજીયાઓનું સમયસર વિસર્જન કરવા પોલીસની આયોજકોને અપીલ


મુસ્લિમ બિરાદરોના શહાદતના પર્વ મહોરમની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે પોલીસતંત્ર તેમજ બંને કોમના આગેવાનો વચ્ચે શાંતિ સમિતિની બેઠક ભરૂચ અને અંકલેશ્વરમાં યોજવામાં આવી હતી. ભરૂચ શહેરને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે .મહોરમના પર્વ નિમિત્તે કતલની રાત તથા તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રએ બંને કોમના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

વિભાગીય પોલીસ અધિકારી કૌશિક પંડયાની હાજરીમાં એ ડિવિઝન ખાતે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં તાજીયા જુલુસ વેળા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ ન થાય તથા શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ સંપન્ન થાય તે બાબતે પણ વિચારણા કરાઇ હતી. કતલની રાત તેમજ જુલુસ દરમિયાન પુરતા બંદોબસ્ત તથા તાજીયા વિસર્જન માટે તમામ સુવિધાઓ પુરી પાડવાની ખાતરી પોલીસ અધિકારીઓએ આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતાં તાજીયાઓનું સમયસર વિસર્જન કરી દેવા માટે આયોજકોને પોલીસ સત્તાધીશોએ અનુરોધ કર્યો હતો.

અંકલેશ્વરમાં વિભાગીય પોલીસ અધિકારી એસ.એસ.બારેઠની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેર પોલીસ મથક ખાતે મળેલી બેઠકમાં પોઇ વિનોદ યાદવ, તાજીયા કમિટી પ્રમુખ જહાંગીરખા પઠાણ, સિકંદર ફડવાલા, રફીક ઝઘડિયાવાલા, કલ્પેશ તેલવાલા, સુરેશ પટેલ સહિ‌ત બંને કોમના આગેવાનો હાજર રહ્યાં હતાં. મહોરમનું પર્વ કોમી એખલાસ અને સૌહાર્દભર્યા માહોલમાં પૂર્ણ થાય તે માટે તકેદારી રાખવા પોલીસ સત્તાધીશોએ આયોજકોને અપીલ કરી હતી. તાજીયા જુલુસ તથા કતલની રાતના સંદર્ભમાં જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.