ઝઘડિયાના કાલિયા પુરા ગામ પાસે દિનદહાડે ૭ લાખની દિલધડક લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એસબીઆઈની પ્રતાપપુરા શાખામાં રૂપિયા જમા કરાવવા જતી વેળાં ઉમલ્લાના વેપારીને લૂંટી લેવાનો સનસનાટીભર્યો બનાવ
- ચાલતા આવેલા બંને લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ પલાયન
- લૂંટારુઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસે નાકાબંધી કરી


પ્રતાપનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં રૂપિયા જમા કરાવવા એકટીવા ઉપર જઈ રહેલા વેપારી ઉપર બે શખ્સોએ હુમલો કરી સાત લાખ રૂપિયાની લૂંટ કરી હોવાનો બનાવ આજે સવારે કાલિયાપુરા ગામ નજીક બન્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસે ચારેય તરફ નાકાબંધી કરી બન્ને લૂંટારૂઓને ઝડપી પાડવાનો પ્રયાસો હાથ ધર્યા હતાં. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં રહેતાં અને મેડિકલ તેમજ પ્રોવિઝન સ્ટોર ધરાવતાં કનૈયાલાલ અગ્રવાલ આજે સવારે ૧૧.૩૦ કલાકે પ્રતાપનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં રૂપિયા જમા કરાવવા એકટીવા ઉપર નીકળ્યા હતાં.

હિ‌ન્દુસ્તાન લીવર તેમજ પાર્લે કંપનીની એજન્સી ધરાવતા હોવાથી ચાર લાખ રૂપિયા અને ત્રણ લાખ રૂપિયા બે અલગ અલગ એજન્સીના એકાઉન્ટમાં જમા કરાવવાના હોવાથી કનૈયાલાલ અગ્રવાલ કાલિયાપુરા ગામ થઈને પ્રતાપપુરા એસબીઆઈની શાખાએ જતા હતાં ત્યારે રસ્તામાં કાલિયાપુરા ગામના બસ સ્ટેન્ડથી આગળ ગરનાળા પાસે એકાએક ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. એક લૂંટારૂએ કનૈયાલાલના માથામાં લાકડીના સપાટા મારતા તેઓ એકટીવા પરથી ગબડી પડ્યાં હતાં. લૂંટારૂએ માર મારવાનું ચાલુ રાખ્યું અને બીજી તરફ બીજા લૂંટારૂએ એકટીવાની ચાવી લઈ ડીકીમાંથી સાત લાખ રૂપિયા ભરેલો થેલો કાઢી લીધો હતો. રૂપિયા લૂંટીને બંને લૂંટારૂઓ રોડની સાઈડના ખેતરમાં થઈને ભાગી છુટ્યા હતાં.

સાત લાખ રૂપિયાની લૂંટ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરતાં ડીવાયએસપી એસ.એસ.બારેઠ, ઉમલ્લા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એમ.ગીલાતર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઉમલ્લા ખાતે ડો. વ્યોમેશ ભટ્ટના દવાખાને સારવાર લઈ રહેલા કનૈયાલાલ અગ્રવાલની પણ મુલાકાત લઈ પોલીસ અધિકારીઓએ પ્રાથમિક પૂછપરછ કરી હતી. પોલીસે લૂંટના બનાવ અંગે ગુનો દાખલ કરી બન્ને લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. સાત લાખ રૂપિયાની લૂંટના બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.