પાટણા-મલાવના બિસમાર માર્ગ મુદ્દે આંદોલન છેડાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તીખા તેવર- ૧.૨૪ કરોડના ખર્ચે બની રહેલાં માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતાં ઠેર ઠેર ગાબડાં પડી ગયાં છે.આ કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થતાં માર્ગની ગુણવત્તા પણ હલકી કક્ષાની હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વીરપુર, સણદ્રા, મળાસી, પ્રતાપપુરા, રામપરા સહિ‌ત ૧૦થી વધુ ગામોના લોકોમાં પ્રવર્તી‍ રહેલો રોષ
નાંદોદ તાલુકાના પાટણાથી મલાવ ગામ વચ્ચે ત્રણ કિલોમીટરના નવા બની રહેલાં માર્ગની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત સત્તાધીશો સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતાં નર્મદા જિલ્લામાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થતાં આવ્યાં છે ત્યારે નાંદોદ તાલુકાના પાટણાથી મલાવ ગામે વચ્ચે આકાર લઇ રહેલો ત્રણ કિલોમીટરનો માર્ગ પર વિવાદના ઘેરામાં આવ્યો છે. પાટણાથી તરોપા અને આમલેથા વચ્ચે આવેલાં વિરપુર, સણદ્રા, મળાસી, પ્રતાપપુરા, રામપરા સહિ‌ત ૧૦થી વધુ ગામોને જોડતા કાચા માર્ગને પાકો કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા હતાં.
કાચા માર્ગને પરિણામે આ માર્ગ પર આવેલા ૧૦થી વધુ ગામના લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી પાટણાથી મલાવ ગામ વચ્ચે ૧.૨૪ કરોડ રૂપિયાના ખર્ચે નવો આરસીસીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. ચાર મહિ‌ના અગાઉ બંને ગામોને જોડતાં માર્ગની કામગીરી ખાનગી કોન્ટ્રાકટરે શરૂ કરી હતી. ત્રણ કિલોમીટરના માર્ગ પર છ નાળા બનાવવામાં આવ્યાં છે પરંતુ તકલાદી બાંધકામને કારણે નાળા એકદમ તકલાદી હોવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે. આ કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયાની બૂમરાણ સાથેમાર્ગની ગુણવત્તા પણ હલકી કક્ષાની હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગરનાળામાં નાંખેલા ભૂંગળાં તકલાદી
૧.૨૪ કરોડના ખર્ચે ત્રણ કિલોમીટરનો પાકો રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. ગરનાળામાં મુકાયેલાં ભુંગળા તકલાદી હોવાથી પાણીમાં ધોવાઇ જવાની પુરેપુરી શકયતા રહેલી છે. પાઇપોને જોડતાં જોઇન્ટસ પણ બરાબર લગાવ્યાં નથી. આ મુદ્દે ગામલોકો ઉગ્ર આંદોલન કરશે. સુનિલ વસાવા, આગેવાન, પાટણા