• Gujarati News
  • Rape Case Accused BJP Vice President In Police Custody

બળાત્કાર કેસમાં જંબુસર તાલુકા ભાજપ ઉપપ્રમુખનો પુત્ર પોલીસના શરણે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ધવલનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી
ભાજપ ઉપપ્રમુખ દેવેન્દ્ર મણીયાર અને તેની પત્ની પોલીસ પકડથી દૂર
જંબુસર તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્ર દ્વારા યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાની સનસનીખેજ ઘટનામાં ભાજપ ઉપપ્રમુખ, તેના પુત્ર તેમજ પત્નીને ઝડપી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી હતી. દરમિયાન ભાજપ ઉપપ્રમુખનો પુત્ર એવો ધવલ મણીયાર પોલીસ મથકે હાજર થઇ જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર જંબુસર શહેરની પોરવાડી ખડકીમાં રહેતા અને જંબુસર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દેવેન્દ્ર બાબુ મણીયારના પુત્ર ધવલે વિસ્તારમાં જ રહેતી ૧૬ વર્ષની તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
બનાવને પગલે તરૂણીના પિતાએ જંબુસર પોલીસ મથકે જંબુસર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દેવેન્દ્ર મણિયાર, તેમની પત્ની અલકા તેમજ પુત્ર ધવલ સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તરૂણીના પિતાએ તેમની પુત્રી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાએ તેનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે પોલીસે ધવલ સામે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો. ઘટના બાદથી દેવેન્દ્ર મણિયાર તેમજ તેમની પત્ની અલકા તથા પુત્ર ધવલ ફરાર થઇ ગયાં હતાં.
પોલીસે તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરતાં સોમવારે ધવલ પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પોલીસે તેનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ઉપરાંત પોલીસ પકડથી નાસતા ફરતા દેવેન્દ્ર મણિયાર તેમજ તેમની પત્ની અલકાના સગડ મેળવવાના તેમજ તેમને ઝડપી પાડવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરી દેવામાં આવ્યા છે.