- ઉત્તરપ્રદેશથી યુવતીને લગ્નની લાલચે અંકલેશ્વર ભગાડી લાવી
- મકાન માલિકની મદદથી શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીની પોલીસ મથકમાં ફરિયાદ
ઉત્તરપ્રદેશનાં ગોરખપુર ખાતે નજીકમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અંકલેશ્વર યુવતીને ભગાડી લાવ્યા બાદ છેલ્લા ૬ મહિનાથી યુવાન અને તેના પિતરાઇ ભાઇ દ્વારા યુવતીનાં થતા શારીરિક શોષણ સંદર્ભે મકાન માલિકની મદદથી યુવતીએ અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે.
દિલ્હીનાં સામૂહિક બળાત્કાર, હાલોલ બાદ ભરૂચ અને હવે અંકલેશ્વરમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બહાર આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં રહેતા સુરેન્દ્ર યાદવે તેના ઘર નજીક જ રહેતી ૨૨ વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતી સુરેન્દ્ર યાદવનાં પ્રેમમાં ગળાડૂબ બની જતા યુવાને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી.
લગ્નની લાલચમાં મોહિત થઇ ગયેલી યુવતી પોતાનું ઘરબાર છોડીને સુરેન્દ્ર યાદવ સાથે ઉત્તરપ્રદેશથી અંકલેશ્વર ભાગીને આવી ગઇ હતી. પરપ્રાંતીય યુવાને અંકલેશ્વર શહેરનાં ગડખોલ ગામે આવેલી વિજયનગર સોસાયટીમાં ભાડાનું ઘર રાખીને યુવતી સાથે લગ્નનાં બંધનમાં બંધાયા વગર રહેવાની શરૂઆત કરી હતી.
યુવતી રોજ સુરેન્દ્રને લગ્ન કરી લેવા માટે દબાણ કર્યા કરતી હતી. જયારે યુવાન આજે નહિ કાલે કરી લગ્નને ટાળી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતો રહેતો હતો. બે મહિનાનો સમય વીતી જવા છતા સુરેન્દ્રએ યુવતી સાથે લગ્ન નહિ કરી પોતાની વાસના સંતોષતો રહેતો હતો. થોડા દિવસો બાદ ઉત્તરપ્રદેશથી સુરેન્દ્રએ પોતાના પિતરાઇ ભાઇને પણ અંકલેશ્વરનાં ગડખોલ ગામે રાખેલા ભાડાનાં ઘરે રહેવા બોલાવી લીધો હતો.
ઉત્તરપ્રદેરથી આવેલા સુરેન્દ્ર યાદવનાં પિતરાઇ ભાઇએ પણ યુવતી ઉપર પોતાની નજર બગાડી હતી. સુરેન્દ્ર યાદવ જયારે કામ અર્થે ઘરની બહાર જતો હતો ત્યારે તેનો પિતરાઇ ભાઇ યુવતી સાથે દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષતો હતો. પિતરાઇ ભાઇ પણ સુરેન્દ્રની જેમ યુવતી સાથે લગ્ન કરી લેવાની લાલચ આપતો હતો.
યુવતી જોડે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી સુરેન્દ્રનો પિતરાઇ ભાઇ જણાવતો હતો કે જો સુરેન્દ્ર તારી સાથે લગ્ન નહિ કરે તો હું લગ્ન કરી લઇશ. જો કે યુવતીએ પોતે સુરેન્દ્ર સાથે જ લગ્ન કરવા છેની જીદ પકડી રાખી હતી. અંતે ૩ મહિનાનો સમય વીતવા છતા સુરેન્દ્રએ યુવતી સાથે લગ્ન નહિ કરતા પોતે બન્ને ભાઇઓની વાસનાનો ભોગ બની રહી હોવાનું અને પોતાનું શારીરિક શોષણ થઇ રહ્યું હોવાનું યુવતીને માલુમ પડતા તેણે પોતાના મકાન માલિકને સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા.
શુક્રવારે મકાન માલિકની મદદથી ઉત્તરપ્રદેશનાં બે પિતરાઇ ભાઇઓની વાસનાનો ભોગ બનેલી યુવતીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ભાઇઓ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.